સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી: દહીં હાંડી, મટકી શણગાર અને કૃષ્ણલીલા પાત્ર પ્રસ્તુતિ સ્પર્ધાઓ યોજાઈ
ગરવી તાકાત ઃ3-9-2026
ચેરમેન પ્રકાશભાઈ પટેલે મહાઆરતી ઉતારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા; વિવિધ સ્પર્ધાઓમાં એન્જિનિયરિંગ અને ડેન્ટલ કોલેજનો દબદબો રહ્યો

મહોત્સવ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઝંપલાવ્યું હતું. જેમાં ‘કૃષ્ણલીલા દર્શન–પાત્ર પ્રસ્તુતિ’ સ્પર્ધામાં ૧૬ જેટલા વિદ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલા વિવિધ પાત્રો અને ઐતિહાસિક પ્રસંગોનું આબેહૂબ મંચન કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ અભિનય સાથે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ વિજેતા બની હતી, જ્યારે નૂતન ફાર્મસી કોલેજ રનર્સ-અપ જાહેર થઈ હતી. આ ઉપરાંત ‘વૃંદાવન કી મટકી–મટકી શણગાર સ્પર્ધા’માં ૭ ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અવનવા રંગો, પારંપરિક ડિઝાઇનો અને કલાત્મક કૌશલ્યનો સુમેળ સાધીને મટકીઓને મનમોહક રીતે સજાવી હતી. આ મટકી શણગાર સ્પર્ધામાં પણ નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર રનર્સ-અપ રહી હતી.

જન્માષ્ટમી મહોત્સવના મુખ્ય અને સૌથી વધુ આકર્ષણ રૂપ ‘દહીં હાંડી ધમાકા’ સ્પર્ધામાં કેમ્પસમાં ભારે રોમાંચ ફેલાયો હતો. બોયઝ કેટેગરીમાં ૬ ટીમો અને ગર્લ્સ કેટેગરીમાં ૩ ટીમોએ ભાગ લઈને ઊંચા માનવ પિરામિડ રચી મટકી ફોડવા માટે જોરદાર પ્રયાસો કર્યા હતા. ‘ગોવિંદા આલા રે’ના ગગનભેદી નારા અને ઢોલ-નગારાના તાલ સાથે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. આ રોમાંચક દહીં હાંડી સ્પર્ધાના બોયઝ વિભાગમાં સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગની ટીમે બાજી મારીને વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે શ્રી સી. જે. પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ રનર્સ-અપ રહી હતી. તેવી જ રીતે ગર્લ્સ કેટેગરીમાં પણ સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવીને વિજેતા પદ હાંસલ કર્યું હતું અને નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ રનર્સ-અપ તરીકે ઉભરી આવી હતી.

આ ગૌરવપૂર્ણ અવસરે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણની મહાઆરતી સંપન્ન કરી હતી અને તમામ સ્પર્ધકો તેમજ વિદ્યાર્થીઓને તહેવારની હાર્દિક શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં યુનિવર્સિટીના એનએસએસ (NSS) સ્વયંસેવકોએ વ્યવસ્થા અને આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ ટીમભાવના અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા થકી સમગ્ર આયોજનને ઐતિહાસિક બનાવ્યું હતું, જે બદલ યુનિવર્સિટી તંત્રની કામગીરીને શિક્ષણ જગતમાં બિરદાવવામાં આવી રહી છે.


