ગરવી તાકાત ઃ 29-8-2026
કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બનતા વાહન ચોરીના બનાવોને ગંભીરતાથી લઈને કડી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે સઘન પેટ્રોલિંગ અને બાતમીના આધારે ટ્રેક્ટર તેમજ મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરાયેલું એક કિંમતી ટ્રેક્ટર તથા બે બાઇક મળીને કુલ રૂપિયા ૩,૬૦,૦૦૦નો મુદ્દામાલ સફળતાપૂર્વક કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ ચોરી સહિતના ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાની કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના પગલે કડી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. દવે તથા સર્વેલન્સ સ્ટાફના જવાનો વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત હતા.
આ પેટ્રોલિંગ દરમિયાન આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર જેમોરભાઇને ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના ટ્રેક્ટર સાથે પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી દેવગઢ (કાસ્વા) ગામની સીમમાંથી શંકાસ્પદ ટ્રેક્ટર નંબર GJ-02-ER-7549 લઈને ભાગી રહેલા મહિપતભાઇ પરબતભાઇ પરમાર નામના શખ્સને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. ટ્રેક્ટરના કાગળો અને માલિકી બાબતે સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેની અટકાયત કરી કડી પોલીસ મથકે લાવીને કડક પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસની આગવી ઢબની સઘન પૂછપરછમાં મહિપત પરમારે પોતાના અન્ય સાથીદારો સાથે મળીને વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં તેણે જણાવ્યું હતું કે તેનો સાથીદાર જયેશ કાનજીભાઇ રાવળ ચોરીની અન્ય મોટરસાયકલ સાથે કડી-નંદાસણ રોડ પર આવેલા ઊંટવા પાટીયા પાસે ગ્રાહકની રાહ જોઈને ઊભો છે. આ ચોંકાવનારી વિગત સામે આવતા જ પોલીસે તાબડતોબ ઊંટવા પાટીયા ખાતે દરોડો પાડી જયેશ ರાવળને બે મોટરસાયકલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ વાહનોની તપાસ કરતા એક બાઇક નંબર GJ-02-DG-1387 વિસતપુરા ગામેથી અને બીજું બાઇક કલોલ શહેર વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ થયું હતું.
કડી પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા ૩ લાખની કિંમતનું ટ્રેક્ટર અને રૂપિયા ૬૦,૦૦૦ની કિંમતની બે ચોરાઉ બાઇક મળીને કુલ રૂપિયા ૩.૬૦ લાખનો તમામ મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે. આ ચોરીના નેટવર્કમાં સામેલ પ્રફુલ નીમાભાઇ મોરવાડીયા (ઠાકોર) નામના અન્ય એક સાગરીતનું નામ પણ ખુલવા પામ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવી અન્ય કોઈ ચોરીઓમાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં કડી પોલીસે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.


