ભાદરવી પૂનમના મેળા નિમિત્તે યાત્રાધામ અંબાજીના માર્ગો પર ભક્તિ અને સેવાનો અનોખો સંગમ

September 24, 2026

અમદાવાદના ઘાટલોડિયા સ્થિત ‘અંબિકા યુવક મંડળ’ દ્વારા ખેરાલુ-સતલાસણા રોડ પર પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ

ગરવી તાકાત ઃ 24-9-2026

સતત ૧૮મા વર્ષે કેમ્પનું સફળ આયોજન: ત્રણ દિવસ દરમિયાન એક લાખ જેટલા માઈભક્તોને ગરમાગરમ ઈડલી-સંભારના પ્રસાદનું વિતરણ

અંબાજી ખાતે યોજાનારા સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મહામેળાને લઈને ઉત્તર ગુજરાતના તમામ રાજમાર્ગો ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા છે. દૂર-સુદૂરથી પગપાળા અંબાજી દર્શનાર્થે નીકળેલા લાખો પદયાત્રીઓની સેવામાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને મંડળો આગળ આવ્યા છે. આ શ્રદ્ધા અને સમર્પણના પર્વ નિમિત્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના જાણીતા ‘અંબિકા યુવક મંડળ’ દ્વારા ખેરાલુ-સતલાસણા હાઈવે માર્ગ પર પદયાત્રીઓ માટે વિશાળ અને સુવ્યવસ્થિત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સેવા અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે.

અંબિકા યુવક મંડળના સક્રિય સભ્ય રિતેશ શંભુરાજ કાઝાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમના મંડળ દ્વારા વર્ષ ૨૦૦૯થી અવિરતપણે અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું સંચાલન કરવામાં આવે છે અને ચાલુ વર્ષે તેમની આ અખંડ સેવાનું ૧૮મું વર્ષ છે. આ સેવા કેમ્પની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં પદયાત્રા કરી થાકેલા માઈભક્તોને દિવસ-રાત તાજો અને ગરમાગરમ પૌષ્ટિક ઈડલી-સંભારનો પ્રસાદ પીરસવામાં આવે છે. સતત ત્રણ દિવસ સુધી ધમધમતા આ સેવા કેમ્પમાં આશરે ૯૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ જેટલા પદયાત્રીઓ આ પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.

ઘાટલોડિયાના ૨૦ થી ૨૫ ઉત્સાહી યુવાનોના બનેલા અંબિકા યુવક મંડળ દ્વારા તમામ વ્યવસ્થાઓ ખૂબ જ ચીવટપૂર્વક સંભાળવામાં આવે છે. આ સેવા યજ્ઞમાં યુવાનો ઉપરાંત અમદાવાદના અનેક સેવાભાવી અગ્રણીઓ અને દાતાઓ પણ સ્વેચ્છાએ જોડાઈને તન, મન અને ધનથી સહયોગ આપી રહ્યા છે. ધોમધખતા તડકામાં પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે અને યુવાનોની આ નિઃસ્વાર્થ સેવાભાવના સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0