મહેસાણામાં કેનેડા નોકરી અપાવવાના બહાને પરિવાર સાથે ₹૪.૯૯ લાખની સાયબર ઠગાઈ: ત્રણ શખ્સો સામે ગુનો દાખલ
ગરવી તાકાત ઃ 24-9-2026
ઊંઝા અને મહેસાણાની બેંકના કસ્ટમર આઈડી અને એટીએમ કાર્ડ મેળવી મોબાઈલ નંબર બદલી નાખી રકમ ટ્રાન્સફર કરી લીધી, તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
મહેસાણા શહેરમાં વિદેશ જવા ઇચ્છુક નાગરિકોને નિશાન બનાવી છેતરપિંડી આચરતી ટોળકીઓ વધુ સક્રિય બની હોય તેમ કેનેડામાં નોકરી અપાવવાની લાલચ આપી એક કેન્સરગ્રસ્ત દર્દીના પરિવાર સાથે રૂપિયા ૪.૯૯ લાખની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના વતની અને હાલ મહેસાણાના રાધનપુર રોડ સ્થિત મધુરમ હોમ્સમાં રહેતા તેમજ આનંદનિકેતન સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સીમાબેન યાદવના પતિ અજીતસિંહ ચોથા સ્ટેજના ગંભીર કેન્સરથી પીડાઈ રહ્યા છે. આશરે આઠ વર્ષ પૂર્વે તેમની ઓળખાણ સિદ્ધપુરના રાજુભાઈ મણીલાલ પંચાલ સાથે થઈ હતી. નવેમ્બર-૨૦૨૩ દરમિયાન અજીતસિંહને કેનેડા નોકરી અર્થે જવાની ઈચ્છા હોવાથી રાજુભાઈ પંચાલ અને તેમના સંબંધી સચિનભાઈ હસમુખભાઈ પંચાલ (રહે. કહોડા) સીમાબેનના ઘરે આવ્યા હતા અને વિદેશ જવા માટે બેંક ખાતામાં મજબૂત બેલેન્સ દર્શાવવું પડશે તેમ કહી ઓછામાં ઓછા રૂપિયા ૪ લાખ જમા રાખવા જરૂરી હોવાનું જણાવી પાસપોર્ટ તેમજ બેંકિંગ પ્રક્રિયા શરૂ કરાવી હતી.
આ સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે સચિન પંચાલના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર-૨૦૨૩માં અજીતસિંહના નામે એક નવું જીઓ કંપનીનું સીમકાર્ડ ખરીદીને ઊંઝા સ્થિત એક્સિસ બેંકમાં નવું ખાતું ખોલાવાયું હતું. સચિન પંચાલે પ્રોસેસિંગ અને સિક્યુરિટીના નામે આ નવું સીમકાર્ડ, બેંકનું એટીએમ કાર્ડ તેમજ કસ્ટમર આઈડી પોતાની પાસે રાખી લીધા હતા. ત્યારબાદ જાન્યુઆરી-૨૦૨૪માં સચિન પંચાલે મહેસાણા ખાતે આવેલી એક્સિસ બેંકની શાખામાં સીમાબેન અને તેમના પતિનું એક સંયુક્ત ખાતું ખોલાવ્યું હતું. આ જોઈન્ટ ખાતામાં સીમાબેને તારીખ ૨૪ અને ૨૫ જાન્યુઆરી દરમિયાન વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા ૪,૯૯,૫૯૦ ની માતબર રકમ જમા કરાવી હતી.
દરમિયાન ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સાંજના સમયે સીમાબેન પોતાના પરિવાર સાથે ડી-માર્ટ ખાતે ખરીદી કરવા ગયા હતા, તે વખતે તેમના પતિના ફોન પર અચાનક બેંકમાંથી મેસેજ આવ્યો હતો કે તેમના મહેસાણા એક્સિસ બેંકના જોઈન્ટ ખાતામાંથી રૂપિયા ૪,૯૯,૯૫૬.૮૦ કપાઈ ગયા છે. ખાતામાંથી એકાએક તમામ રકમ ઉપડી જતાં દંપતી સ્તબ્ધ થઈ ગયું હતું અને તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી એટીએમ બ્લોક કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
ત્યારબાદ બેંકમાં રૂબરૂ જઈ તપાસ કરતાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે ઊંઝા એક્સિસ બેંકના કસ્ટમર આઈડીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને મહેસાણા બેંક ખાતામાં નોંધાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને બદલીને નવો નંબર અપડેટ કરી દેવાયો હતો. ત્યારબાદ ભેજાબાજોએ નેટ બેંકિંગ એક્ટિવેટ કરીને તમામ નાણાં વલસાડ જિલ્લાના રબડી ગામના રહેવાસી પટેલ પિયુષકુમાર મહેશભાઈના એચડીએફસી બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. આ સમગ્ર બાબતે સીમાબેને જ્યારે સચિન પંચાલને પૂછપરછ કરી ત્યારે તેણે સીમકાર્ડ અને એટીએમ કાર્ડ ક્યાંક ખોવાઈ ગયા હોવાનું લૂલું બહાનું આગળ ધર્યું હતું. સાયબર ક્રાઈમ સેલની તાત્કાલિક કાર્યવાહીને પગલે પિયુષકુમારના બેંક ખાતામાંથી રૂપિયા ૧,૭૪,૦૯૨ ની રકમ હોલ્ડ થઈ ગઈ હતી, જે પીડિત પરિવારે કોર્ટની કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરીને પરત મેળવી લીધી હતી, પરંતુ બાકી રહેલા રૂપિયા ૩,૨૫,૮૬૪.૮૦ હજુ સુધી પરત મળ્યા નથી.
ગંભીર બીમારીથી ઝઝૂમતા પરિવારને વિશ્વાસમાં લઈ, ખોટા બહાના હેઠળ એટીએમ કાર્ડ અને કસ્ટમર આઈડી મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવા બદલ સીમાબેને આરોપી રાજુભાઈ મણીલાલ પંચાલ, સચિનભાઈ હસમુખભાઈ પંચાલ અને પટેલ પિયુષકુમાર મહેશભાઈ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે સાયબર ફ્રોડ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


