જમીન આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી ₹3.99 કરોડ પડાવી દસ્તાવેજ ન કર્યો: લાડોલ પોલીસ મથકે જમીન માલિકો અને દલાલ સામે ગુનો દાખલ
ગરવી તાકાત ઃ 22-9-2026
બાનાખત બાદ બારોબાર અન્યના નામે દસ્તાવેજ કરી દીધો, કોર્ટ કેસ પતાવવા અને વારસાઈના નામે તબક્કાવાર નાણાં ખંખેર્યા; છેલ્લી ઘડીએ લોહીની ઉલટીઓનું બહાનું કાઢી દસ્તાવેજ કરવાનું ટાળ્યું
અમદાવાદ શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા આનંદ ઉપેન્દ્ર અમીન નામના અગ્રણી વેપારી સાથે જમીન ખરીદીના નામે રૂપિયા ૩,૯૯,૪૬,૦૦૦ (આશરે ચાર કરોડ)ની અતિ વિશાળ અને સુનિયોજિત છેતરપિંડી આચરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કડી તાલુકાના અગોલ ગામની સીમમાં આવેલી મોંઘીદાટ જમીન વેચવાના બહાને જમીન માલિકો અને વચેટિયા દલાલોએ ભેગા મળી વેપારી સાથે આયોજનબદ્ધ વિશ્વાસઘાત આચર્યો હતો. આ ચકચારી પ્રકરણમાં ભોગ બનનાર વેપારીએ લાડોલ પોલીસ સ્ટેશને જમીન માલિકો અને દલાલ વિરુદ્ધ છેતરપિંડી તેમજ આર્થિક ઉચાપતની વિધિવત ફરિયાદ નોંધાવતાં સમગ્ર પંથકના રિયલ એસ્ટેટ આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, મે ૨૦૨૩ દરમિયાન જમીન દલાલ જતીન પંચાલ અને રાજેશકુમાર નારાયણ પટેલે અમદાવાદના બિલ્ડર આનંદ અમીનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે કડી તાલુકાના અગોલ સીમમાં આવેલી પટેલ ગણપત રણછોડની ખાતા નંબર ૯૧૭ વાળી બ્લોક સર્વે નંબર ૫૪૦ અને ૫૪૫ પૈકીની આશરે સાડા ચાર વીઘા (૧૧,૨૩૫ ચોરસ મીટર) જૂની શરતની ખેતીની જમીન વેચવાની રજૂઆત કરી હતી. તમામ પક્ષકારો વચ્ચે થયેલી વાતચીતના અંતે પ્રતિ વીઘા રૂપિયા ૮૦ લાખ લેખે કુલ રૂપિયા ૩,૭૭,૯૬,૪૦૦માં આ સોદો પાકો થયો હતો અને બાકીની રકમ છ માસની મુદતમાં ચૂકવી દસ્તાવેજ કરી આપવાનું સર્વસંમતિથી નક્કી કરાયું હતું. સોદા પેટે ફરિયાદી આનંદભાઈએ ૧૩ મે ૨૦૨૩ના રોજ રોકડા રૂપિયા ૨૧ લાખ ટોકન પેટે ચૂકવ્યા હતા અને ત્યારબાદ ૨૫ મે ૨૦૨૩ના રોજ કાયદેસર બાનાખત કરતી વખતે બેન્ક ચેક દ્વારા વધુ રૂપિયા ૨૮.૫૦ લાખ ચૂકવ્યા હતા.
જોકે, બાનાખત થયાના માંડ દોઢ મહિના બાદ વેપારીને માલૂમ પડ્યું હતું કે મૂળ જમીન માલિક ગણપત પટેલે આ જ કિંમતી જમીનનો દસ્તાવેજ ૩૦ જૂન ૨૦૨૩ના રોજ બારોબાર અન્ય વ્યક્તિ ભગવતસિંહ ભાવસિંહજી ગોહિલના નામે કરી આપ્યો હતો. આ ગંભીર બાબતે ખુલાસો પૂછતાં જમીન માલિકે ગલ્લાંતલ્લાં કરી ભગવતસિંહ વાળો દસ્તાવેજ રદ કરાવી આપવાની ખોટી ખાતરી આપી હતી. દરમિયાન ભગવતસિંહે આ જમીન પર કડી કોર્ટમાંથી મનાઈ હુકમ (સ્ટે) મેળવી લેતાં સમગ્ર મામલો દીવાની અદાલતમાં પહોંચ્યો હતો.
ત્યારબાદ ગણપત પટેલના પુત્ર હરી પટેલે ભગવતસિંહ સાથે કોર્ટ બહાર સમાધાન કરવાના બહાના હેઠળ ફરિયાદી પાસેથી ઓગસ્ટ ૨૦૨૩માં દલાલ રાજેશકુમાર પટેલ મારફતે વધુ રૂપિયા ૪૫ લાખ રોકડા પડાવી લીધા હતા, પરંતુ આ રકમ ભગવતસિંહને અપાઈ નહોતી. ઓક્ટોબર ૨૦૨૩માં હરી પટેલ અને માતા મધુબેન પટેલે જમીનમાં વારસદાર તરીકે નામ દાખલ કરાવ્યા હતા અને દસ્તાવેજની બાંહેધરી આપી માર્ચ ૨૦૨૪થી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં બેન્ક તથા રોકડ મારફતે સમયાંતરે લાખો રૂપિયા પડાવતા રહ્યા હતા.
આમ, આરોપીઓએ જમીનનો દસ્તાવેજ કરી આપવાની લાલચ આપીને સમયાનુસાર ફરિયાદી પાસેથી રોકડ, આરટીજીએસ અને ચેક મારફતે કૂલ મળીને રૂપિયા ૩,૯૯,૪૬,૦૦૦ જેટલી માતબર રકમ ઓળવી લીધી હતી અને આજદિન સુધી દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી આચરી હતી. આ આખા કારસા સંદર્ભે લાડોલ પોલીસે જમીન માલિક ગણપત રણછોડ પટેલ, પુત્ર હરી પટેલ, મધુબેન ગણપત પટેલ તેમજ જમીન દલાલ રાજેશકુમાર નારાયણ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની તપાસ તેજ કરી છે.
કોર્ટમાંથી કેસ પાછો ખેંચવા ₹૧.૯૧ કરોડ ચૂકવ્યા, અંતે બીમારીનું બહાનું કાઢી દસ્તાવેજ ન કર્યો
કડી કોર્ટમાં ચાલી રહેલો દીવાની દાવો કાયમી ધોરણે સમેટાઈ જાય તે હેતુથી ભગવતસિંહને સમાધાન પેટે ચૂકવવાના થતા રૂપિયા ૧,૯૧,૦૦,૦૦૦ (એક કરોડ એકાણુ લાખ) પણ ફરિયાદી આનંદ અમીને પોતાના ખિસ્સામાંથી ચૂકવી આપ્યા હતા. નાણાં મળ્યા બાદ ભગવતસિંહે કોર્ટમાંથી કેસ પરત ખેંચી લીધો હતો. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આખરે જ્યારે કડી મામલતદાર કચેરી ખાતે જમીનનો પાકો દસ્તાવેજ કરી આપવાનો દિવસ નક્કી થયો ત્યારે આરોપીઓએ છેલ્લી ઘડીએ અચાનક ગંભીર બીમારી થઈ હોવાનું અને મોઢામાંથી લોહીની ઉલટીઓ થતી હોવાનું તરકટ રચીને કચેરીએ હાજર રહેવાનું ટાળ્યું હતું.


