પીએમ નરેન્દ્ર મોદીના સીએમ થી પીએણ સુધીના સુશાસનને 25 વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક પળ

October 2, 2026

વારાણસીથી વડનગર સુધીની ભવ્ય બાઈક રેલી અને વડનગરમાં 31 હજાર લોકોની વિરાટ જનસભાની તૈયારીઓ પુરજોશમાં: કડી એપીએમસી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

ગરવી તાકાત ઃ 2-10-2026

૫મીએ ઝુલાસણ મુકામે બાઈક રેલીનું ભવ્ય સામૈયું થશે અને રાત્રિસભા યોજાશે, ૭મી ઓક્ટોબરે વડનગરમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે સુશાસન સમર્પણ મહોત્સવની પૂર્ણાહુતિ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન પદ સુધીના અવિરત અને સફળ લોકસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવા માટે સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય અવસરને અનુલક્ષીને ‘સુશાસન સમર્પણ’ અંતર્ગત વડાપ્રધાનના સંસદીય મતક્ષેત્ર વારાણસીથી તેમના જન્મસ્થળ વડનગર સુધી ૫૦૦ કાર્યકર્તાઓની વિશાળ બાઈક રેલી યોજાઈ રહી છે. આ રેલીના ભવ્ય સ્વાગત તેમજ આગામી ૭મી ઓક્ટોબરે વડનગર ખાતે યોજાનારા વિરાટ કાર્યક્રમની તડામાર તૈયારીઓની પૂર્વ સમીક્ષા અર્થે ૨ ઓક્ટોબરના રોજ કડી માર્કેટ યાર્ડ એપીએમસી હોલ ખાતે એક અતિ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મહેસાણા જિલ્લા ભાજપના પદાધિકારીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, શક્તિ કેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો તેમજ વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર જિલ્લા મહામંત્રી ભગાજીભાઈ ઠાકોર, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, કડી શહેર પ્રભારી ભીખાભાઈ ચાચારીયા, શહેર ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારથી લઈને આજદિન સુધી એક પણ દિવસની રજા લીધા વિના સતત ૨૫ વર્ષ સુધી રાષ્ટ્ર અને જનતા જનાર્દનની અવિરત સેવા કરી એક નવો ઇતિહાસ રચ્યો છે. દેશના શાસનમાં પારદર્શિતા, વિકાસ અને લોકકલ્યાણના આ ૨૫ વર્ષના સમર્પણની ઉજવણીના ભાગરૂપે આગામી ૭મી તારીખે વડનગર ખાતે ૩૧,૦૦૦ જેટલા લોકોની ઉપસ્થિતિમાં એક વિરાટ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના અન્ય ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકો માટે વિશેષ એસ.ટી. બસોની ફાળવણી, શુદ્ધ ભોજન તેમજ પ્રસાદરૂપે બુંદીના લાડુની સુચારુ વ્યવસ્થા વહીવટીતંત્ર અને સંગઠન દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા જવા ઇચ્છુક ભાવિકો માટે પણ સુવિધાજનક વ્યવસ્થાઓ વિચારવામાં આવી છે. તેમણે વડનગર આવતા લોકોને ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર, પ્રાચીન શર્મિષ્ઠા તળાવ અને પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરાયેલા અત્યાધુનિક મ્યુઝિયમની અચૂક મુલાકાત લેવા આહ્વાન કર્યું હતું.

આ ઐતિહાસિક ઉત્સવના ભાગરૂપે ગત ૧૭મી સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિને વારાણસીથી પ્રસ્થાન થયેલી ૫૦૦ બાઈકર્સની યાત્રા આગામી ૫મી ઓક્ટોબરે કડી તાલુકાના ઝુલાસણ ગામે આવી પહોંચશે. ઝુલાસણ મુકામે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકો દ્વારા ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે બાઈક રેલીનું ભવ્ય અને ઐતિહાસિક સામૈયું કરવામાં આવશે. ૫મી તારીખની રાત્રે ઝુલાસણમાં એક વિશાળ જનસભા યોજાશે અને રાત્રિ રોકાણ બાદ ૬ઠ્ઠી ઓક્ટોબરના રોજ સવારે આ રેલી વડનગર તરફના પોતાના આગળના રૂટ માટે પ્રસ્થાન કરશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કડી, મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતના કાર્યકર્તાઓને એક થઈને પૂરા ઉત્સાહ અને જોશ સાથે જોડાઈને ઝુલાસણના સ્વાગત કાર્યક્રમ તેમજ વડનગરની મહાસભા બંનેને અભૂતપૂર્વ રીતે સફળ બનાવી પીએમ મોદીના ૨૫ વર્ષના સુશાસનની ઉજવણીને ચિરંજીવ બનાવવા પ્રેરક અપીલ કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0