ગરવી તાકાત ખેડા : ખેડા પંથકના વાસણા ખુર્દ ગામે ઉચાપતના બનાવ સામે આવ્યો છે. આ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના માજી સેક્રેટરીએ પોતાના હોદ્દા પર રહીને લાખોની ગોલમાલ આચરતાં ચકચાર જાગી છે. સમગ્ર મામલો ઓડિટ દરમિયાન બહાર આવતા આ સંદર્ભે આજે હાલના ચેરમેને ઉચાપત આચરનારા માજી સેક્રેટરી સામે ખેડા ટાઉન પોલીસમા ફરિયાદ આપી છે. જેથી પોલીસે ઉચાપત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
ખેડા તાલુકાના વાસણા ખુર્દ ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમા વર્ષ 2019થી 2021 દરમિયાન ગામના મફત રતિભાઈ ચૌહાણ સેક્રેટરી તરીકેની ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓએ મંડળીના વહીવટના રોજમેળાપના નાણાંની ગોલમાલ આચરી હતી. મફત ચૌહાણે મંડળીના સીલકના કુલ્લે રૂપિયા 5 લાખની ઉચાપત આચરી હતી.
2019ના એપ્રીલ માસમાં ઓડિટ થતાં આ સમગ્ર ઉચાપતનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ ઓડીટ વર્ષ 2021મા પૂર્ણ થયું હતું. જેમા ઉપરોક્ત 5 લાખની ઉચાપતનો પર્દાફાશ થયો હતો. માજી સેક્રેટરી સામે ફોજદારી કાર્યવાહી કરવા પગલા ભરવા આદેશ થતાં ગતરોજ આ મામલે દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન બાદર ચૌહાણે ઉચાપત આચરનારા માજી સેક્રેટરી મફત ચૌહાણ સામે ખેડા ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 409 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.


