મહેસાણા હાઇવે પર બનેલી સનસનાટીભરી ઘટનામાં પોલીસની મોટી સફળતા

September 13, 2026

પકવાન ડાઇનિંગ હોલ નજીક ફોર્ચ્યુનર પર ફાયરિંગ કરી જાનલેવા હુમલો કરનારા પાંચ મુખ્ય સૂત્રધારો ઝડપાયા

ગરવી તાકાત 13-9-2026

નેપાળ સરહદ સુધી નાસતા ફરતા આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે દબોચ્યા, હથિયાર અને કાર રિકવર કરવા રિમાન્ડ મેળવવાની તજવીજ

મહેસાણા હાઇવે રોડ પર આવેલા પકવાન ડાઇનિંગ હોલ નીચે માધવી પાર્લર નજીક ગત ૩૦ ઓગસ્ટની રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં બનેલી સનસનાટીભરી ફાયરિંગ અને જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામના વતની ભાવેશ ઝીલીયા પોતાના મિત્રો સાથે ફોર્ચ્યુનર ગાડીમાં બેઠા હતા તે વેળાએ કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની સફેદ સ્કોર્પિયો કારમાં ધસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમની ગાડીને ડ્રાઇવર સાઇડથી જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ કારને વારંવાર રિવર્સ લઈ ટક્કરો મારીને રિવોલ્વર જેવા હથિયાર વડે અંધાધૂંધ ફાયરિંગ ઝીંકી દેતાં ભાવેશ ઝીલીયાના ડાબા હાથના પંજા પર ગોળી વાગવાથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ લોહિયાળ હુમલાને અંજામ આપીને હુમલાખોરો નાગલપુર તરફ પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત ભાવેશ ઝીલીયા અને તેમના મિત્ર વિપુલે સમયસૂચકતા વાપરી પોતાની ફોર્ચ્યુનર કાર સીધી જ મહેસાણા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જઈ આશરો મેળવ્યો હતો અને સમગ્ર બનાવ અંગે ગુનો નોંધાવ્યો હતો. ડીવાયએસપી મિલાપ પટેલના જણાવ્યા અનુસાર, પોલીસે ઘટનાની ગંભીરતા સમજી શરૂઆતમાં ૬ શંકાસ્પદોની અટકાયત કરી ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી, જેના પગલે ગુનાહિત કાવતરું ઘડનારા અને હુમલામાં પ્રત્યક્ષ રીતે સામેલ જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા, સૂરજ ઉર્ફે સૂરભા, જીગ્નેશસિંહ ઉર્ફે જીગુભા, હરદીપસિંહ ઉર્ફે ભુવાજી તેમજ જયરાજસિંહ ઉર્ફે ચંપુભા નામના પાંચ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ કાયદાના સકંજાથી બચવા માટે સુરેન્દ્રનગર અને ઋષિકેશ થઈને છેક નેપાળ બોર્ડર સુધી સતત પોતાના આશ્રયસ્થાનો બદલતા રહ્યા હતા. જોકે જિલ્લા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની સંયુક્ત ટીમે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કના આધારે પીછો કરીને આ તમામ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો ગાડી, ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાયેલાં હથિયારો જપ્ત કરી શકાય તેમજ આ હુમલા પાછળ રહેલી જૂની અદાવત અને આંતરિક વિવાદના મૂળ સુધી પહોંચી શકાય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0