ગરવી તાકાત ઃ 13-9-2026
મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ સીમ વિસ્તારો તેમજ ગામોમાંથી રાત્રી દરમિયાન બોરના કેબલ વાયર ચોરી થવાના વણઉકેલાયેલા બનાવોને લઈને પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. લાંઘણજ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ગુનાવાળી જગ્યાઓના ટાવર ડમ્પ ડેટા મેળવી ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. આ વિશ્લેષણના આધારે શંકાસ્પદ નંબરો મેળવીને ખાનગી બાતમીદારો મારફતે વિસ્તારમાં ચાંપતી વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન નાઇટ પેટ્રોલિંગ વખતે એ.એસ.આઇ. અને કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી કે આંબલિયાસણથી બાલીયાસણ જવાના રસ્તા પાસે આવેલી ચરામાં કેટલાક શખ્સો ચોરીના કેબલ વાયર છોલી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડી સ્થળ પરથી ચાર ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં આંબલિયાસણના અંકિત નિકુલભાઈ દંતાણી, અભિષેક ઉર્ફે અભુ ગોપાળભાઈ દંતાણી અને વિજયજી ઉર્ફે ડીંગો કરશનજી ઠાકોર તેમજ ધોળાસણના રોનક મુકેશભાઈ રાવળનો સમાવેશ થાય છે.
ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન તેઓએ ધોળાસણ, શંકરપુરા અને ખદલપુર ગામની સીમમાં આવેલા બોર પરથી કેબલ વાયર કાપ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી તેમજ જમીનમાં દાટેલી હાલતમાંથી ₹૧,૫૦,૦૦૦ની કિંમતનો છોલેલો અને આખો કેબલ વાયર તથા તાંબાનો ભંગાર જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બજાજ પલ્સર (GJ-02-EJ-9368) અને યમાહા ફાઝર (GJ-01-EW-6804) મોટરસાઇકલ, ₹૧૫,૦૦૦ની કિંમતના ૩ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને વાયર કાપવા માટે વપરાતી કટર-બ્લેડ મળીને કુલ ₹૨,૬૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. લાંઘણજ પોલીસે આ સફળ કામગીરી કરીને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) હેઠળ નોંધાયેલા કેબલ ચોરીના કુલ સાત ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.


