મહેસાણા બાયપાસ હાઇવે પર ચાલતા દેહવ્યાપારના નેટવર્ક પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો સપાટો

September 2, 2026

૪ સ્પા અને ૧ ગેસ્ટહાઉસમાં ડમી ગ્રાહકો મોકલી એસએમસીના એકસાથે દરોડા, ૧૩ સંચાલકો સામે ૫ અલગ ગુના દાખલ

ગરવી તાકાત ઃ 2-9-2026

મહેસાણા બાયપાસ હાઇવે પર મસાજ પાર્લર અને ગેસ્ટહાઉસની આડમાં ધમધમતા અનૈતિક દેહવ્યાપારના મોટા કૂટણખાનાઓ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આક્રમક કાર્યવાહી કરી મોટો પર્દાફાશ કર્યો છે. સ્થાનિક સ્તરે લાંબા સમયથી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવાતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળતાં જ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસની અલગ અલગ ટીમો બનાવી મહેસાણા બાયપાસ રોડ પર આવેલા જાણીતા ચાર સ્પા અને એક ગેસ્ટહાઉસમાં એકસાથે બોગસ ગ્રાહકો મોકલીને આયોજનબદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા. અચાનક ત્રાટકેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી સંચાલકો, મેનેજરો સહિત અનેક શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે કેટલાક સંચાલકો અને ભાગીદારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે ગોરખધંધાના પર્દાફાશ બાદ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અલગ-અલગ પાંચ એફઆઈઆર નોંધીને સંચાલકો અને માલિકો સહિત કુલ ૧૩ શખ્સો સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર એસએમસીની ટીમે સૌથી પહેલો દરોડો મહેસાણા બાયપાસ રોડ પર અવધ પ્લાઝા કોમ્પ્લેક્ષના બીજા માળે ધમધમતા ‘ધ લક્ઝુરી બ્યુટી એન્ડ સ્પા’માં પાડ્યો હતો. આ સ્પામાં મસાજના બહાને ગ્રાહકોને બોલાવી પંજાબ તેમજ ઉત્તર પ્રદેશ જેવા બહારના રાજ્યોમાંથી લાવવામાં આવેલી યુવતીઓ પાસે ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી સ્પાના મુખ્ય સંચાલક અજયકુમાર પ્રજાપતિને ઝડપી લીધો હતો, જ્યારે તેનો મુખ્ય ભાગીદાર યશ રાવલ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાંધાજનક સામગ્રી સહિત કુલ રૂપિયા ૮૪,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ જ કડીમાં બીજો દરોડો પાંચોટ ગામ ક્રોસ રોડ નજીક આકાર એવન્યુ કોમ્પ્લેક્સમાં કાર્યરત ‘ધ ગોલ્ડન સ્પા’ ખાતે પાડવામાં આવ્યો હતો. જ્યાં મોકલવામાં આવેલા ડમી ગ્રાહક દ્વારા ખરાઈ થયા બાદ ત્રાટકેલી પોલીસને જાણવા મળ્યું હતું કે અહીં થાઈલેન્ડ જેવા વિદેશથી તેમજ પશ્ચિમ બંગાળ અને બિહારના અંતરિયાળ વિસ્તારોમાંથી યુવતીઓને બોલાવી વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હતી. આ સ્થળેથી પોલીસે મેનેજર સુનિલ ઠાકોર અને રોહિતસિંહ પરમારની અટકાયત કરી રૂપિયા ૬૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે સ્પાનો મુખ્ય માલિક પૂનમભાઈ ઉર્ફે પવન રાવળ હાજર ન મળી આવતાં તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ત્રીજો સપાટો નુગર સર્કલ નજીક ભાડે રાખીને ચલાવાતી ‘હોટલ મધુવન ગેસ્ટ હાઉસ’ પર બોલાવાયો હતો. જ્યાં બહારના રાજ્યોથી મહિલાઓને લાવી ગોરખધંધો ચલાવાઈ રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મહારાષ્ટ્ર, સુરત અને ઝારખંડની ત્રણ પીડિત મહિલાઓને શોષણમાંથી મુક્ત કરાવી હતી અને સંચાલક લાલસિંહ રાવ તથા વિશાલ જોષીને ઝડપી લીધા હતા, જ્યારે ઘટનાસ્થળેથી રોકડ, ચાર મોબાઈલ અને ડીવીઆર સહિત કુલ રૂપિયા ૪૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ચોથી રેઇડ સમર્થ કોમ્પ્લેક્ષમાં ચાલતા ‘ધ મુન લાઈટ સ્પા’માં પાડવામાં આવી હતી, જ્યાં ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલી દેહવેપાર ચલાવાતો હતો. પોલીસે સ્થળ પરથી સંચાલક આકાશ રામાવતને ઝડપી રૂપિયા સાત હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે તેના અન્ય ભાગીદારો તેજસકુમાર રાવલ અને હસીના આબાદ રાઉન પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.

પાંચમી કાર્યવાહી નુગર બાયપાસ પર ક્રિષ્ના કોમ્પલેક્ષ સ્થિત ‘એપ્પલ વન સ્પા’માં હાથ ધરવામાં આવી હતી, જ્યાં ડમી ગ્રાહકની મદદથી સંચાલક લોકેશ પાટીદારને રંગેહાથ ઝડપી લેવાયો હતો અને રોકડ, મોબાઈલ સહિત રૂપિયા ૧૩,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. તમામ સ્થળોએથી મળી આવેલા તમામ પુરાવા અને મુદ્દામાલના આધારે મહેસાણા તાલુકા પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ આદરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0