ગરવી તાકાત, મહેસાણા તા. 29 – ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં ઉપસ્થિત થતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટે ગુજરાતનું વહીવટી તંત્ર સજ્જ છે. ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્ર આ આકાશી આફતમાં ખડેપગે રહી સર્તકતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી રહ્યું છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ આજે તા.૨૯મી ઑગસ્ટ સવારે ૧૦.૦૦ કલાકની સ્થિતિ એ છેલ્લા 24 કલાકમાં ૧,૭૮૫ નાગરિકોને રેસ્ક્યુ તથા ૧૩,૧૮૩ નાગરિકોનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની ૧૭ તેમજ એસ. ડી. આર. એફની ૨૫ ટીમો ઉપરાંત આર્મીની ૯ કોલમ ડિપ્લોય કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ રાહત અને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, આરોગ્ય સહિતના તમામ વિભાગો ખડેપગે ફરજો બજાવી રહ્યા છે. પાણીમાં ફસાયેલા લોકોનું રક્ષણ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે.


