સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે NSS દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ સંબોધન પ્રસારિત
ગરવી તાકાત ઃ 25-9-2026
મહેસાણા જિલ્લામાંથી એકમાત્ર યુનિવર્સિટી જોડાઈ; 300થી વધુ સ્વયંસેવકોએ વ્યસનમુક્ત ભારતના નિર્માણ માટે સામૂહિક શપથ લીધા

વિસનગર: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, MY Bharat તેમજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દ્વારા સમગ્ર દેશમાં નશાની બદીને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા આશય સાથે ‘નશા મુક્ત યુવા–વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. દેશભરમાં યુવા શક્તિને રાષ્ટ્રનિર્માણ તરફ પ્રેરિત કરતા આ રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાનના ભાગરૂપે ઉત્તર ગુજરાતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે NSS યુનિટ દ્વારા એક વિશેષ અને પ્રેરણાદાયી જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ ફેકલ્ટીઓ અને શૈક્ષણિક વિભાગોમાંથી ૩૦૦થી પણ વધુ ઉત્સાહી NSS સ્વયંસેવકો, કાર્યક્રમ અધિકારીઓ, પ્રાધ્યાપકો તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહેસાણા જિલ્લામાંથી આ દેશવ્યાપી રાષ્ટ્રીય લાઈવ અભિયાનમાં સક્રિયપણે જોડાનાર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી બની રહી હતી, જે સંસ્થાની સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના અને યુવાનોમાં રાષ્ટ્રસેવાનું વાતાવરણ નિર્માણ કરવાની નિષ્ઠાને પ્રતીતિ કરાવે છે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સ્તરના પ્રેરણાદાયી સંબોધનનું લાઈવ પ્રસારણ રહ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં દેશના યુવાનોને નશા જેવા ભયાનક સામાજિક દૂષણથી સંપૂર્ણપણે દૂર રહેવા ભાવભરી અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનો પોતાની અપાર ઊર્જા અને કૌશલ્યને શિક્ષણ, રમતગમત, સામાજિક સેવા, અવનવા સંશોધનો અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સક્રિયપણે લગાવે તે સમયની તાતી જરૂરિયાત છે. આ સાથે તેમણે દરેક યુવાન પોતાના પરિવાર, મિત્રવર્તુળ અને આસપાસના સમગ્ર સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશ ફેલાવી ‘નશા મુક્ત ભારત–વિકસિત ભારત’ના પવિત્ર સંકલ્પને એક શક્તિશાળી જનઆંદોલન બનાવે તેવો હૃદયપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ ગરિમાપૂર્ણ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલે પોતાનો વિશેષ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમણે પોતાના સંદેશામાં યુવાશક્તિને દેશની સૌથી મોટી મૂડી અને આધારસ્તંભ ગણાવતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના વ્યસનથી મુક્ત રહીને ઉચ્ચ શિક્ષણ, ખેલકૂદ, સમાજસેવા અને ઉત્તમ સંસ્કારો દ્વારા સમાજ તેમજ દેશની પ્રગતિમાં ભાગીદાર બનવું એ આજના દરેક યુવાનની નૈતિક ફરજ છે. તેમણે NSS સ્વયંસેવકોને નશામુક્તિ અંગે સમાજના છેવાડાના વર્ગ સુધી સઘન જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે તમામ ઉપસ્થિત NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓએ એકી અવાજે નશા મુક્ત ભારતના નિર્માણ માટેના પવિત્ર શપથ લીધા હતા અને પોતાના કાર્યક્ષેત્રમાં સક્રિય રહીને યુવાનોને નશાની ગર્તામાંથી બચાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી, રજિસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી તેમજ NSS કોઓર્ડિનેટર ડૉ. રાકેશ એન. પટેલના કુશળ નેતૃત્વ અને સીધા માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે તમામ વિભાગના NSS કાર્યક્રમ અધિકારીઓ, અધ્યાપકગણ અને સ્વયંસેવકોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. અંતમાં ઉપસ્થિત તમામ લોકોએ ‘નશા મુક્ત યુવા–વિકસિત ભારત’ના સંકલ્પને દૈનિક જીવનમાં ઉતારી સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે અવિરત કાર્યરત રહેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


