જોટાણાના કટોસણ ખાતેથી ૭.૪૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, સ્થાનિક ગુના શોધક શાખાની મોટી કાર્યવાહી

September 25, 2026

ગરવી તાકાત ઃ 25-9-2026

મહેસાણા જિલ્લામાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ કરાવવા અને ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી તેમજ વેચાણ પર સંપૂર્ણ અંકુશ મેળવવા પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર વિભાગીય નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની કડક સૂચનાઓના પગલે સ્થાનિક ગુના શોધક શાખા (એલસીબી)ની ટુકડીઓ સતત કાર્યરત છે. આ ઝુંબેશ અંતર્ગત મહેસાણા ગુના શોધક શાખાની ટીમે જોટાણા તાલુકાના ગોવિંદવાડી (કટોસણ) વિસ્તારમાં એક સફળ દરોડો પાડીને રૂપિયા ૭,૪૪,૪૮૦ ની તોતિંગ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મહેસાણા ગુના શોધક શાખાના પોલીસ નિરીક્ષક એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ વિસ્તારમાં સઘન ચોકી-પહેરામાં હતા. તે દરમિયાન પોલીસ નિરીક્ષક એ.એમ. કામળીયાને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે કટોસણ ગામના ઝાલા કુલદીપસિંહ હનુમાનસિંહ અને ઝાલા અજીતસિંહ ઉર્ફે રોમીયો ભીખુભા નામના બે શખ્સો મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે મંગાવીને વેપાર કરી રહ્યા છે. આ બંને ઈસમોએ દારૂનો જથ્થો ગોવિંદવાડી ખાતે આવેલા કુલદીપસિંહના રહેણાંક મકાનમાં તેમજ તેની અડીને આવેલી ઓરડીમાં છુપાવી રાખ્યો છે અને ત્યાંથી તેનું છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ચોક્કસ બાતમી મળતાં જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયા તેમજ ગુના શોધક શાખાના જવાનોએ પંચોને સાથે રાખીને તાત્કાલિક દર્શાવેલ સ્થળે ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસે મકાન અને તેની બાજુની ઓરડીની ઝીણવટભરી તલાશી લેતાં ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સીલબંધ કુલ ૫૫ પેટીઓ મળી આવી હતી. પોલીસે આ પેટીઓની ગણતરી કરતાં વિવિધ છાપની નાની-મોટી કુલ ૨,૬૬૦ બોટલો મળી આવી હતી, જેનું કુલ પ્રમાણ ૪૭૫.૨ લિટર જેટલું થતું હતું. બજાર કિંમત મુજબ આ જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત રૂપિયા ૭,૪૪,૪૮૦ આંકવામાં આવી છે.

પોલીસે ગેરકાયદે રાખેલો તમામ વિદેશી દારૂનો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કરી લીધો છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ગોવિંદવાડી કટોસણના ઝાલા કુલદિપસિંહ હનુમાનસિંહ તેમજ કટોસણના ઝાલા અજીતસિંહ ઉર્ફે રોમીયો ભીખુભા વિરુદ્ધ સાંથલ પોલીસ મથકમાં નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ દારૂનો મોટો જથ્થો ક્યાંથી અને કોના મારફતે મંગાવવામાં આવ્યો હતો તેમજ આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ સ્થાનિક કે બહારના દારૂના ધંધાર્થીઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0