ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાની પુનાસણ અનુપમ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં રાજ્યકક્ષાના રૂટમાં મહેસાણાના અધિક નિવાસી કલેકટર શ્રી જે.કે. જેગોડા સાહેબ અને મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી શ્રી પ્રતિકભાઇ શાહ મુખ્ય મહેમાન બન્યા હતા. સવારે 8:00 કલાકે નિયત સમયે લાઇઝનીંગ અધિકારી શ્રી અલ્પાબેન સથવારા સાથે બંને અધિકારીશ્રીઓ શાળાની મુલાકાતે પધાર્યા હતા. કુમકુમ તિલક અને ફુલ પાંદડી દ્વારા સૌ મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું હતું.

નિયત પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આચાર્ય શ્રી ભારતીબેને શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું પુસ્તક,ફુલછડી અને સાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અધિકારીશ્રીઓએ આંગણવાડીના અને બાલવાટિકાના વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી, ભેટ આપીને કુલ ૨૪ બાળકોને *બાલવાટિકા માં* શાળા પ્રવેશ કરાવ્યો હતો.

શાળાના આચાર્યશ્રી અને એસ.એમ.સી અધ્યક્ષ શ્રી ના આમંત્રણ ને માન આપીને ગામના સરપંચ શ્રી લલીતભાઈ, ઉપસરપંચશ્રી તથા ગામની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સૂચક હાજરી આપી હતી. ગામના વડીલો, વાલીઓ ની હાજરી નોંધપાત્ર હતી. શાળા પ્રવેશોત્સવ ની સાથે વર્ષ દરમિયાન વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા બાળકો ને કીટ આપી એમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય કેન્દ્રમાંથી સ્ટાફ, તલાટી શ્રી તેમજ પંચાયત સભ્યો, ઉપસરપંચ શ્રી, ગરવી તાકાત દૈનિકના તંત્રી શ્રી પ્રકાશભાઈ તેમજ ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં નાયબ કલેકટર શ્રી એ પ્રેરક ઉદબોધન કર્યું હતું. શિક્ષણની જરૂરિયાત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ વાત કરી હતી. ધોરણ ૮ની કુંવારીકાઓને *એક વૃક્ષ* વાવવાના સંકલ્પની જાહેરાત કરી હતી. સૌએ હર્ષભેર યોજનાને વધાવી લીધી હતી.

અધિકારીશ્રીઓ અને સરપંચશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન, શાળાની સ્વચ્છતા, શૈક્ષણિક કાર્ય અંગે સૌએ સંતોષ વ્યક્ત કર્યો હતો. અધિક કલેકટર સાહેબ શ્રી દ્વારા ગ્રામજનોની સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમ વિશે સાહેબે આમંત્રણ સ્વીકાર્યું હતું…


