ગરવી તાકાત પાટણ તા.20-8-2026
પાટણ જિલ્લાના સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર આવેલા કાકોશી ચાર રસ્તા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા બેકાબૂ ટ્રેલરે મુસાફરો ભરેલી એસટી બસને જોરદાર ટક્કર મારતાં હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં એસટી બસના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે બસમાં સવાર મુસાફરોનો આબાદ ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતની આ સમગ્ર કંપારી છોડાવે તેવી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાની વિગત મુજબ, સિદ્ધપુર ડેપોની સિદ્ધપુરથી સાસમ રૂટની એસટી બસ પોતાના નિયત રૂટ પર મુસાફરોને ઉતારીને પરત ડેપો તરફ જઈ રહી હતી. તે દરમિયાન કાકોશી ચોકડી પાસેથી પસાર થતાં રોડ ક્રોસ કરતી વેળાએ મહેસાણા તરફથી પૂરઝડપે ધસી આવેલા એક ટ્રેલરે એસટી બસને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી પ્રચંડ અને ભયાનક હતી કે બસ તેમજ ટ્રેલર બંને વાહનો ડિવાઈડર કૂદીને સામે રોંગ સાઈડમાં ફંગોળાઈ ગયા હતા અને એસટી બસ ડિવાઈડર પર ચઢીને ફસાઈ ગઈ હતી. અકસ્માતના પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ચીસાચીસ અને ભયનો માહોલ સર્જાયો હતો.
આ ભીષણ ટક્કરમાં એસટી બસના ચાલક નીતિનકુમાર સોલંકી કેબિનમાં દબાઈ જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં તેમના ઘૂંટણના ભાગે ગંભીર ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બસ ચાલક નીતિનકુમારને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. સદનસીબે અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ સિવાય કોઈ મોટી જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલરનો ચાલક પોલીસ પકડાઈ જવાના ડરે પોતાનું વાહન ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સિદ્ધપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ક્રેનની મદદથી વાહનોને સાઈડમાં કરાવી હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો જપ્ત કરી, ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

