ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલની કેમિકલયુક્ત દુર્ગંધથી બાળકો બીમાર પડતાં વાલીઓએ કર્યો શાળા બહિષ્કાર: ફેક્ટરી કાયમી બંધ નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ન મોકલવાનો મક્કમ નિર્ણય
ગરવી તાકાત ઃ મહેસાણા 20-8-2026
મહેસાણા તાલુકાના સામેત્રા અને મરેડા પંથકમાં આવેલી ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલમાંથી ફેલાતા અસહ્ય કેમિકલયુક્ત વાયુ પ્રદૂષણના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ વિસ્તારના રહીશો અને ખાસ કરીને શાળાના નિર્દોષ બાળકો આ ઝેરી દુર્ગંધનો ભોગ બની રહ્યા છે. ફેક્ટરીમાંથી સતત ૨૪ કલાક આવતી તીવ્ર દુર્ગંધના કારણે સ્થાનિક પ્રાથમિક અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ચક્કર આવવા, ગભરામણ થવી, તાવ, શ્વાસ લેવામાં ગંભીર તકલીફ, ગળા અને આંખોમાં બળતરા તેમજ ઉલટીઓ થવાની વ્યાપક સમસ્યાઓ સામે આવી છે. કેટલાક વિદ્યાર્થીઓની તબિયત એટલી હદે લથડી ગઈ છે કે તેમને મહેસાણાની હોસ્પિટલમાં દાખલ કરી બાટલા ચડાવવા પડ્યા છે. સ્થાનિક તંત્ર અને સરકાર સમક્ષ વારંવાર લેખિત રજૂઆતો તેમજ ચક્કાજામ જેવા આંદોલનો કરવા છતાં કોઈ કાયમી નિરાકરણ ન આવતા, અંતે વાલીઓએ પોતાના વહાલસોયા બાળકોના સ્વાસ્થ્યની રક્ષા કાજે શિક્ષણનો બહિષ્કાર કરીને તમામ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવાનો આકરો નિર્ણય લીધો છે.
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે તેવા સંજોગોમાં પણ વર્ગખંડના તમામ બારી-બારણાં બંધ રાખવા છતાં ઝેરી દુર્ગંધ સીધી ક્લાસરૂમમાં પ્રવેશે છે, જેના લીધે બાળકો માટે ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય બની ગયું છે. ધોરણ ૧૨ની વિદ્યાર્થિની ચૌધરી જીલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ફેક્ટરીની દુર્ગંધના કારણે છેલ્લા એક અઠવાડિયાથી તેને તાવ અને ચક્કર આવતા હોવાથી તે શાળાએ જઈ શકી નથી અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. અન્ય વિદ્યાર્થિની ઠાકોર નવ્યાએ પણ ઉમેર્યું કે બારી-દરવાજા બંધ હોવા છતાં વર્ગખંડમાં બેસવું મુશ્કેલ બને છે અને શ્વાસ રુંધાય છે. શાળાના આચાર્ય હિરલબેને સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરતાં કહ્યું કે, શાળામાં નોંધાયેલા ૧૧૯ બાળકોમાંથી મોટાભાગના બાળકો એલર્જી, શ્વાસની બીમારી, ત્વચાના રોગો અને ચક્કર આવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને પરિણામે પરીક્ષાના સમયમાં પણ વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે.
સ્થાનિક મહિલા અગ્રણી ગીતાબેન ચૌધરી અને ગ્રામજન શિવરામભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર માત્ર પર્યાવરણ સુધારવાના પોકળ દાવા કરે છે પરંતુ અહીં બાળકોના જીવ જોખમમાં મુકાયા હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહી છે. ચાર-ચાર વર્ષથી પ્રદૂષણ સહન કર્યા બાદ હવે સામેત્રા અને મરેડા બાદ આસપાસના ગોકળગઢ જેવા ગામો પણ આ શિક્ષણ બહિષ્કારમાં જોડાશે. જ્યાં સુધી આ કેમિકલ ઓકતી પેપર મિલને કાયમી ધોરણે તાળાબંધી નહીં કરવામાં આવે, ત્યાં સુધી એક પણ બાળકને શાળામાં મોકલવામાં આવશે નહીં. બાળકોનું ભવિષ્ય અને અભ્યાસ બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટીતંત્ર અને સરકારની રહેશે તેવી ગ્રામજનોએ ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે.
સમગ્ર મામલે જીપીસીબી (GPCB)ના અધિકારી એન.પી. ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે ટ્વિલાઇટ પેપર મિલ સામે અવારનવાર દુર્ગંધ અંગેની ફરિયાદો મળતી રહે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અગાઉ ફેક્ટરીને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી, જેની સામે એકમે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તે ઉપરાંત એસડીએમ કચેરી દ્વારા પબ્લિક ન્યુસન્સ હેઠળ ફેક્ટરી બંધ કરવાનો હુકમ કરાયો હતો, પરંતુ કંપની સંચાલકોએ નામદાર હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લીધો છે. હાલમાં આ કાનૂની વિવાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટ સમક્ષ વિચારણા હેઠળ છે. જોકે સરકારી કાગળી કાર્યવાહી અને કાનૂની આંટીઘૂંટી વચ્ચે સ્થાનિક માસૂમ બાળકોનું આરોગ્ય અને ભવિષ્ય બંને જોખમમાં મુકાઈ જતાં સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

