અકસ્માત બાદ સળગતી કારના કાચ તોડી ઋષભ પંતને સ્થાનિકોએ બહાર કાઢ્યો
ઋષભ પંતને ગંભીર હાલતમાં દહેરાદૂન હોસ્પિટલમાં ખસેડાયો : માથામાં, પીઠ અને કપાળના ભાગે ઇજાઓ
નવી દિલ્હી,તા. 30- ટીમ ઇન્ડીયાના વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને આજે ઉતરાખંડના હરિદ્વાર જિલ્લાના મેંગ્લોર અને નરસન વચ્ચે નડેલી દુર્ઘટનામાં વાસ્તવમાં તેઓ તેમના માતાને જાણ કર્યા વગર જ ઘરે પહોંચવા જઇ રહયા હતા અને તેમનો પ્લાન પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવાનો હતો પરંતુ તેમની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા હાલ તેમને સારવાર અપાઈ રહી છે અને દહેરાદૂન શિફટ કરાયા છે. 
તા. 3ના રોજ શ્રીલંકા સામેની ટી-20 ક્રિકેટ ટીમમાં પસંદગી ન થતા ઋષભ પંતે દિલ્હીથી તેના વતન ઢંઢેરા રુરકી જવાનો પ્લાન કર્યો હતો અને વહેલી સવારે 5-30 વાગ્યે તેમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી તે સમયે તેઓ પોતે જ કાર ચલાવી રહયા હતા. કૌટુંબીક સુત્રોના જણાવ્યા મુજબ પંતના આગમનની તેના માતાને જાણ ન હતી અને તેઓ સરપ્રાઇઝ આપવા માગતા હતા પરંતુ હવે તેઓને હોસ્પિટલમાં લાંબા સમય રહેવું પડશે તેવા સંકેત છે.
બીજી તરફ ઋષભ પંતને દુર્ઘટના નડી તે સમયે તેઓ કારમાં ગંભીર રીતે ઘાયલ થઇને ફસાયા હતા અને ખુદ નીકળી શક્યા ન હતા. તેમની સાથે કારમાં 3-4 લાખ રુપિયા હતા જે તેમની બેગ બહાર ફેંકાઈ જતા સડક પર વેરાયા હતા. આ સમયે કેટલાક લોકો અકસ્માત સ્થળે પહોંચી ગયા અને તેઓએ ઋષભ પંતને કારની બહાર નીકળવાને બદલે વીડિયો ઉતારવાનું શરુ કરી દીધું હતું અને એકાદ વ્યક્તિએ તો રોકડ રકમ સેરવવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ આ સમયે સુગર મીલમાં સવારની ડ્યુટી પર જઇ રહેલા ગાર્ડત્યાં પહોંચી ગયા હતા અને તેઓએ ઋષભ પંતને કારની બહાર કાઢીને તૂર્ત જ નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી તથા તેમનો સામાન પણ સુરક્ષીત કરી લીધો હતો. ઋષભ પંતને જે રીતે ઇજા થઇ છે તે જોતા તેઓ લાંબો સમય ટીમ ઇન્ડીયા વતી રમી શકશે નહીં તેવું માનવામાં આવે છે. ક્રિકેટ બોર્ડના પ્રમુખ જય શાહે ટિવટ કરીને ઋષભ પંતને ઝડપી રિકવરીની શુભકામના આપી છે.


