– નેશનલ હાઈવે ઓથોરિટીની ઉદાસીનતાને કારણે
– મહિના અગાઉ ખાડાને કારણે મહિલાનું મોત નિપજ્યું છતાં તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે
પાટણ જિલ્લાને અડીને પસાર થતો દિલ્હી કંડલા નેશનલ હાઈવે નંબર ૨૭ એકદમ બિસ્માર બની જવા પામ્યો છે. હાઈવે પર ઠેર-ઠેર પડેલ ખાડાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે પર પડેલા ખાડાને કારણે સર્જાતા અકસ્માતોમાં વાહનચાલકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવે છે. બિસ્માર હાઇવેના રીપેરીંગ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટીની ઉદાસીનતા સામે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
રાધનપુરથી સામખયારી વચ્ચે નેશનલ હાઇવે નંબર ૨૭ એકદમ બિસ્માર બની ગયો છે. એકાદ વર્ષથી બિસ્માર બનેલ હાઈવે રીપેરીંગ બાબતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડેલીકેટો દ્વારા વારંવાર રજૂઆત કરવા આવી હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવેના રીપેરીંગ બાબતે આજદિન સુધી કોઇ જ કામગીરી કરવામાં આવેલ નથી. હાઈવે ઉપર પડેલા ખાડાને કારણે વારંવાર વાહનોના અકસ્માતો સર્જાય છે.
જેમા એકાદ માસ પહેલા સમી તાલુકાના કાઠી ગામના મકવાણા પાલાભાઈ અને તેમના પત્ની રતનબેન મોટરસાયકલ પર વારાહી તરફ આવી રહ્યા હતા ત્યારે વારાહી નજીક નેશનલ હાઈવે પર પડેલા ખાડામાં મોટરસાયકલ પટકાતા રતનબેનને માથાના ભાગે ઇજાઓ થતા મોત નીપજ્યું હતુ.અને મૃતક મહિલાના પતિ મકવાણા પાલાભાઈ દ્વારા વારાહી પોલીસ સ્ટેશનમાં નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદારો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાઈવે પર પડેલ ખાડામાં મોટરસાયકલ પટકાતા પાછળ બેઠેલ મહિલાએ જીવ ગુમાવ્યાની ઘટના બાદ પણ હાઇવે ઓથોરિટી દ્વારા હાઈવેના રીપેરીંગ બાબતે કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
— નેશનલ હાઈવે ઓથોરિટી કલેક્ટરની સૂચના ઘોળીને પી ગયું
હાઈવે રીપેરીંગ બાબતે વારંવાર સ્થાનિક આગેવાનોની રજૂઆતને લઈને જિલ્લા કલેકટર દ્વારા વારાહીમામલતદાર કચેરી ખાતે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. અને કલેકટર દ્વારા તાત્કાલિક રોડ રીપેરીંગ કરવા સૂચના આપવામાં આવી હતી. કલેકટર દ્વારા સૂચના આપ્યા અને લગભગ ચારેક માસ ઉપરાંતનો સમય વિતવા છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઈવે રીપેરીંગ બાબતે આજ દિન સુધી કામગીરી હાથ ધરવામાં આવી નથી.
— હાઈવે રીપેરીંગ બાબતે રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય
હાઈવેના રીપેરીંગ બાબતે ૬ મહિના પહેલા નેશનલ હાઇવેના અધિકારીઓ તેમજ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી હાઇવેનું રીપેરીંગ કામ કરવામાં આવેલ નથી. જેને લઇને હાઇવે પરથી વાહન લઈ પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું હોવાનું સાંતલપુર તાલુકા પંચાયતના સદસ્ય ઇમરાન ખાન મલેક દ્વારા જણાવવામાં આવ્યું હતું.