મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલને બંધ સીટી બસની સેવા ફરી શરૂ કરાવવા રજૂઆત
સીટી બસ સેવા બંધ હોવાના કારણે મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
ગરવી તાકાત, મહેસાણા તા. 12 – મહેસાણામાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ચાલતી સીટી બસની સેવા સ્થગિત કરી દેવામાં આવી છે જેને પગલે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે શહેરમાં ચાલતી આ સીટી બસની સેવા ઝડપથી પુનઃ શરૂ કરવામાં આવે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહેસાણા કોંગ્રેસના મંત્રી પાર્થ રાવલ દ્વારા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલ, મહેસાણા નગરપાલિકા પ્રમુખ ડો. મિહીર પટેલ, અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.
છેલ્લા કેટલાય દિવસોથી મહેસાણામાં ફરતી સીટી બસની સેવા બંધ છે. જેનાથી મહેસાણાની આમ પ્રજા મુખ્યત્વે મહિલાઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના કાર્યકાળના સમયગાળા દરમિયાન આ સીટી બસની સેવા ચાલુ કરવામાં આવી હતી. જેમાં મહિલાઓને મફત મુસાફરીની સહુલિયત આપવામાં આવતી હતી. હવે નગરપાલિકા અને ખાનગી ટ્રાવેલ્સ એજન્સી વચ્ચે નાણાંનો વિવાદ ઉભો થતાં સીટી બસ સેવા છેલ્લા કેટલાય દિવસોથી બંધ છે. જેનો દુર ઉપયોગ અથવા અંગત સ્વાર્થ અર્થે રીક્ષા ચાલકો મનમાગ્યું ભાડુ માંગે છે. જેનાથી મહેસાણા શહેરની જનતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.
આ તો પ્રાઇવેટ ટેલીકોમ કંપનીઓ જેવી વાત થઇ કે પહેલા સસ્તી અને સારી સગવડ આપી ટેવ પાડી ગ્રાહકો બાંધવા પછી એમને ટેવ પડે એટલે મન માંગ્યા ભાવ વધારવા અને ગ્રાહકોની કમર તોડી નાખવી આપના શાસનમાં આ પ્રકારની ગેરરિતી ચલાવી લેવાય નહી. નરપાલિકા અને ખાનગી એજન્સી વચ્ચે જે પણ વિવાદ હોય તેનું ઝડપથી નિવારણ લાવી સીટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ મહેસાણા કોંગ્રેસ સમિતિના મંત્રી દ્વારા કરવામાં આવી છે. આ બાબતે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલેને દસ દિવસમાં પ્રજા સમક્ષ આ બાબતનો ખુલાસો પ્રજા સમક્ષ કરવા અનુરોધ કરાયો છે.