જામજોધપુર ખાતે રૂ. 6.12 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરતાં કૃષિમંત્રી
જામનગર જિલ્લામાં 141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ કુલ 37 ગુના નોંધી 69 આરોપીઓની અટકાયત કરાઇ
ગરવી તાકાત, જામજોધપુર તા. 13 – શહેરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિઓ અટકાવવાના પ્રયાસરૂપે જામનગર જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોન ધિરાણ કેમ્પના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રૂપિયા 6,12,75,000 ના ખર્ચે નવનિર્મિત બી કક્ષાના 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 
આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ વ્યાજના દૂષણને ડામવાની શરૂઆત કરી.ગુજરાત પોલીસે રાજ્યમાં 3500 થી વધુ લોક દરબાર યોજી એક હજારથી વધુ વ્યાજખોરોને જેલ હવાલે કર્યા અને હજારો કેસમાં પોલીસની મધ્યસ્થીના કારણે વ્યાજખોરોએ સમાધાનકારી વલણ અપનાવું પડ્યું. આમ ગુજરાતના હજારો પરિવારોને વ્યાજના દુષણમાંથી પોલીસે મુક્ત કર્યા છે. જામનગર જિલ્લામાં પણ વ્યાજખોરોથી પીડાતા લોકોની વ્હારે આવી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.
જામનગર જિલ્લામાં આજ દિન સુધીમાં 141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ કુલ 37 ગુના દાખલ કરી 69 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેમાંના 25 આરોપીઓ હાલ જેલ હવાલે છે ઉપરાંત અનેક કેસો ઇન્કમટેક્સ વિભાગ, ઇ.ડી. તથા જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરી જિલ્લા પોલીસ દ્વારા એક અનેરી પહેલ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં નાગરિકો વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે હેતુથી બેંકના માધ્યમથી લોન અપાવવાનું ઉમદા કામ હાથ ધરાયું છે જે અન્વયે 89 લાભાર્થીઓની રૂ. 2,35,57,400 ની લોન પોલીસ તથા બેંકના સહયોગથી મંજૂર થઈ છે.


