દરજી, મોચી, કુંભાર, ધોબી, સુથાર, સાવરણી બનાવનાર, ખેતીલક્ષી લુહારી કામ કરનારા, હેર કટીંગ, પેપર-ડીશ બનાવનાર, ફ્લોક અને મસાલા મિલ તેમજ મોબાઇલ રિપેરીંગ કરનારને વ્યવસાય માટે સહાય નહી મળે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 09 – રાજ્ય સરકારે બે યોજનાઓના મર્જરના બહાના હેઠળ નાના વ્યવસાયકારોને મળતી તમામ પ્રકારની સહાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગ વિભાગે માનવ ગરિમા યોજનાને માનવ કલ્યાણ યોજના સાથે મર્જ કરી દેતાં 27 પૈકી 17 વ્યવસાયકારોને હવે સરકારની કોઇ સહાય નહીં મળી શકે. જેમને સહાય મળવાની નથી તેમાં દરજી, મોચી, કુંભાર, ધોબી, સુથાર, સાવરણી બનાવનાર, ખેતીલક્ષી લુહારી કામ કરનારા, હેર કટીંગ, પેપર-ડીશ બનાવનાર, ફ્લોક અને મસાલા મિલ તેમજ મોબાઇલ રિપેરીંગ કરનારનો એકડો કાઢી નાંખવામાં આવ્યો છે.
જેની સામે વાહન સર્વિસ-રિપેરીંગ, બ્યુટીપાર્લર, ઇલેક્ટ્રિક સામાન રિપેરીંગ કરનાર, દૂધ-દહી અથાણા અને પાપડ વેચનાર તેમજ પંચર કીટનો ઉમેરો કરવામાં આવ્યો છે. સમાજના નબળાં વર્ગના લાભાર્થીઓને સરકાર તાલીમ, ટુલકીટ અને ધિરાણ સહાય આપે છે. સરકારે માત્ર 10 વ્યવસાય પુરતી આ સહાય સિમિત કરી દીધી છે. એટલે કે 17 જેટલા વ્યવસાયકારોને આ યોજના હેઠળ હવે ઠેંગો મળશે. બે યોજનાઓના મર્જરમાં નાના વ્યવસાયકારોને મોટું નુકશાન થયું છે.