-> માઈન્ડથી માર્કેટ સુધી પહોંચવા આજે અનેક યુવાઓને સ્ટાર્ટઅપ ખૂબ મદદરૂપ બન્યું :- કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
ગરવી તાકાત મહેસાણા : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા સંચાલિત જીટીયુ – ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (જીટીયુ આઈટીઆર) મેવડ, મહેસાણા ખાતે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગર્લ્સ અને બોય્ઝ હોસ્ટેલનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ તકે મંત્રીશ્રીના હસ્તે હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, જીટીયુ આઈટીઆઈની માંગણી મુજબ સરકાર દ્વારા બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ મંજૂર કરવામાં આવી છે, જેનું આજે ભૂમિપૂજન થયું છે.

વિદ્યાર્થીઓને અભ્યાસના સ્થળેજ રહેવાની ઉત્તમ વ્યવસ્થા મળી રહે તે માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે જેનો લાભ દેશ વિદેશથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને મળશે. વધુમાં તેમણે જણાવ્યું કે આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે અભ્યાસ કરી શકે તે માટે જીટીયુ આઈટીઆર ખાતે વિવિધ પ્રકારના અભ્યાસલક્ષી કોર્ષ ચલાવવામાં આવી રહ્યા છે. અહીંથી શિક્ષણ મેળવી અનેક વિદ્યાર્થીઓ ટેકનોલોજીના રિસર્ચ ક્ષેત્રે આગળ વધી રાજ્ય અને દેશનું નામ રોશન કરશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સ્ટાર્ટઅપ ક્ષેત્રે ભારત દુનિયામાં ત્રીજા ક્રમે છે, જ્યારે સમગ્ર દેશમાં ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. માઈન્ડથી માર્કેટ સુધી પહોંચવા આજે અનેક યુવાઓને સ્ટાર્ટઅપ ખૂબ મદદરૂપ બન્યું છે.આજે ઘણા યુવાઓ સ્ટાર્ટઅપ થકી એન્ટરપ્રિન્યોર અને ઉધોગકારો બન્યા છે. આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, GTU ના કુલપતિશ્રી રાજુલ ગજ્જર, BOG મેમ્બરશ્રી રાજુભાઈ શાહ, રજીસ્ટ્રારશ્રી કે.એન. ખેર, GTU-ITR ના આચાર્યશ્રી સહિત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



