-> ભર શિયાળે કેનાલોમાં ગાબડા પડતાં ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર થતાં ખેડૂતોમાં રોષ :
-> રવિ સિઝનને વચ્ચે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોચતું નથી :
ગરવી તાકાત બનાસકાંઠા : ઢીમા ગામની સીમમાંથી પસાર થતી ઈઢાટા ઢીમા ડ્રીસ્ટી કેનાલમાં ગત મોડી રાત્રીએ ગાબડું પડતાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.જોકે કેનાલોમાં પડતા ગાબડાઓને પગલે ખેડૂતોના ભારે રોષ ફેલાયો છે નર્મદાની કેનાલોનું એકબાજુ રિપેરિંગ ચાલુ છે તો બીજી તરફ ગાબડા પડી રહ્યાં છે પરિણામે એક બાજુ જગતના તાત સુધી સિંચાઈનું પાણી પહોચતું નથી તો બીજી તરફ ગાબડા પડતાં બધાય ખેડૂતોની સ્થિતિ એક સરખી જ જોવા મળી રહી છે.

થરાદ અને ધરણીધર તાલુકામાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાયું છે. ઢીમા મોડી રાત્રે ઈઢાટા ઢીમા ડ્રીસ્ટી કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલ રવિ પાકની વાવણી માટે ખેતરો તૈયાર કરી રહ્યા હતા. ખેડાયેલી જમીનમાં કેનાલના પાણી ફરી વળતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.

આ અણધારી ઘટનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર એ જણાવ્યું હતું કે, આ કેનાલ પૂર દરમિયાન તૂટી ગઈ હતી, જેને આશરે એક મહિના પહેલા જ ફરીથી બનાવવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, પાણી ઉભરાઈને ઓવરફ્લો થવાને કારણે કેનાલ તૂટી છે અને તેની મરામત કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવશે.


