ગરવી તાકાત ગાંધીનગર : ગાંધીનગર પોલીસ વડા કચેરીની એલઆઇબી શાખામાં લોક રક્ષક નિશા કિરીટભાઈ પ્રજાપતિએ કોઈ અગમ્ય કારણોસર અડાલજ પોલીસ મથકની હદમાંથી પસાર થતી કેનાલમાં 16મી એપ્રિલે મોતની છલાંગ લગાવી લીધી હતી. જેની લાશ ગઈકાલે કલોલ જાશપૂર ગણપત પૂરા સાયફનમાંથી મળી આવતાં સાંતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. નોંધનીય છે કે, ઘરેથી નોકરી પર જવાનું કહીને નીકળેલી નિશાનું એક્ટિવા બિનવારસી મળી આવ્યું હતું. જેમાં એક ચબરખીમાં મોબાઇલનો પાસવર્ડ અને એક નંબર પણ લખેલો મળી આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રાલા મુકામે રહેતા કિરીટભાઈ પ્રજાપતિની 25 વર્ષીય દીકરી નિશાનાં લગ્ન દહેગામનાં હાલીસા ગામે રહેતા સુરેશભાઈ ગુર્જર (પ્રજાપતિ)ના દીકરા બ્રિજેશ સાથે 15 મહિના અગાઉ સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. નિશા લોક રક્ષક તરીકે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતેની એલઆઇબી શાખામાં ફરજ બજાવતી હતી. જ્યારે તેનો પતિ બ્રિજેશ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે.
16મી એપ્રિલના રોજ નિશા રાબેતા મુજબ ઘરેથી નોકરી પર જવાનું કહીને નીકળી હતી, પરંતુ તે પોતાની ફરજ પર ગઈ ન હતી. ત્યારે મોડે સુધી નિશા ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. એ દરમિયાન નિશાનું એક્ટિવા અડાલજ પોલીસ મથકની હદમાંથી પસાર થતી નર્મદા કેનાલ નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેમાં એક ચબરખીમાં બીરજુ (બ્રિજેશ) નો મોબાઇલ નંબર તેમજ તેના ફોનનો ચાર આંકડાનો પાસવર્ડ પણ લખે
લો હતો. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી નિશાની કેનાલમાં શોધખોળ શરૂ કરાવી હતી. પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ નિશાની વિકૃત હાલતમાં લાશ કલોલ જાસપુર ગણપતપૂરા સાયફનમાંથી ગઈકાલે બપોરના સમયે મળી આવી હતી. આ અંગે સાંતેજ પોલીસ મથકના પીએસઆઇ આર એસ રબારીએ જણાવ્યું હતું કે, 16મી એપ્રિલે નિશા નોકરી પર જવાનું કહીને નીકળી હતી. બંને પરિવારોની પૂછપરછ કરતાં આપઘાતનું ચોક્ક્સ કારણ બહાર આવ્યું નથી. જોકે, નિશા સેન્સિટિવ સ્વભાવની હોવાનું જાણવા મળ્યું છે.
નિશાનાં લગ્નનો ગાળો 15 મહિના હોવાથી નાયબ પોલીસ અધિક્ષક પી ડી મનવર વિઝિટ કરીને બંને પક્ષોની જરૂરી પૂછતાંછ કરવાના છે. જે પછી કોઈ તથ્ય જણાશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નિશા ની લાશ કેનાલમાંથી મળી આવી ત્યારે તેના મોઢાના ભાગે ગંભીર ઈજાના નિશાન તેમજ જીભ પણ બહાર નીકળી ગયેલી હાલતમાં હતી.


