ગરવી તાકાત ઃ 12-9-2026
મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવા અને મિલકત વિરુદ્ધના ગુનાઓ ડામવા માટે ચાલી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા હાથ લાગી છે. સતલાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોઠડાથી બે કિલોમીટર દૂર લડાઇવાળી નદીના બ્રિજ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી એક શખ્સને ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના જથ્થા સાથે ઝડપી લેવાયો હતો.
પોલીસે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા સ્થિત અડેરણ ગામના વતની ૩૬ વર્ષીય વિક્રમજી પ્રધાનજી સોનાજી ઠાકોરને શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલી સાથે અટકાયતમાં લીધો હતો. આ થેલીની તલાશી લેતાં તેમાંથી બે નંગ દેશી બનાવટની બંદૂકો, ૨૨ નંગ લોખંડના છરા, ગન પાવડર અને ૩૦ નંગ બંદૂક કેપ મળી આવ્યા હતા. પોલીસે આશરે ૧૦ હજાર રૂપિયાની કિંમતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ બંદૂકો અને દારૂગોળો દાંતા તાલુકાના રંગપુર ભાલુસણાના વાસમાં રહેતા દશરથજી રણછોડજી ઠાકોરે આપ્યો હતો. આ ઘટસ્ફોટ બાદ પોલીસે હથિયારો સાથે ઝડપાયેલા વિક્રમજી ઠાકોર તેમજ તેને આ જથ્થો આપનાર દશરથજી ઠાકોર બંને વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ તેજ બનાવી છે.


