ગરવી તાકાત કલોલ : કલોલ શહેરમાં આવેલી મીલ કામદાર સોસાયટીમાં બંધ મકાનમાં પાછલા બારણેથી પ્રવેશ કરીને માત્ર સવા કલાકની અંદર ઘરનો સામાન ફેંદી નાખી ઘઉંનાં પીપડામાં સંતાડેલ 1.65 લાખની રોકડ ચોરીને ચોર રફુચક્કર થઈ જતાં કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલોલ મીલ કામદાર સોસાયટી મકાન નંબર એ/10 માં પરિવાર સાથે રહેતાં દક્ષેશ મનુભાઈ ભટ્ટ છત્રાલ ખાતે ખાનગી કંપનીમાં છેલ્લા 25 વર્ષથી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે.
ગત તા. બીજી માર્ચના રોજ દક્ષેશભાઈ બીમાર પડતાં પરિવારજનોએ તેમને બોરીસણા રોડ પર આવેલી વીમા કામદાર યોજનાના દવાખાનામાં દાખલ કર્યા હતા.
આ દરમિયાન તેમની પત્ની ગીતાબેન સાર સંભાળ અર્થે દવાખાનામાં રોકાયા હતા. જ્યારે તેમનો દીકરો પાર્થ અને દીકરી ધ્વનિ ઘરે રોક્યા હતા. ગઈકાલે બપોરના સવા ત્રણ વાગ્યાના અરસામાં બંને ભાઈ બહેન બેંકના કામ અર્થે ગયા હતા. અને ચાર વાગે ઘરે પરત ફર્યા હતા. આ સમય દરમ્યાન કોઈ અજાણ્યો શખ્સ ઘરના જર્જરીત પાછલા દરવાજાથી અંદર પ્રવેશ્યો હતો. અને લાઈટો ચાલુ કરી ઘરનો તમામ સર સામાન ફેંદી નાખ્યો હતો.
બાદમાં ઘઉંનાં પીપડામાં સંતાડી રાખેલ 1.65 લાખની રોકડ રકમ ચોરીને પાછલાં દરવાજાથી રફુચક્કર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં દક્ષેશભાઈ તુરંત દવાખાનામાંથી રજા લઈને ઘરે આવી ગયા હતા. અને પોલીસને બોલાવી લીધી હતી. આ અંગે તેમની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


