ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની વિવિધ સમિતીઓની યોજાયેલ બેઠક અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિ (અ.જા)ની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ 1955 તથા અનુજાતિ અને અનુ જનજાતિ(અત્ચાર નિવારણ) અધિનિયમ 1989ના અસરકારક અમલ માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધ અને સમીક્ષા કરાઇ હતી.

તેમજ માર્ચ ૨૦૨૫ના અંતિત નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ 1955 હેઠળ બનેલ બનાવોની સમીક્ષા સહિત અનુજાતિ. અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 હેઠળ બનાવોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ચાર્જશીટ બાકી બનાવોની સમીક્ષા, ચાર્જશીટ થયેલ અને કોર્ટ દ્વારા સાબિત કે કોર્ટમાં પડતર કેસોની સમીક્ષા, પોલીસ રક્ષણ વાળા ગામોની સમીક્ષા તથા પોલીસ રક્ષણ ચાલુ રાખવા અંગે સમિતિના અભિપ્રાય સહિતની સમીક્ષા,

અનુસૂચિત જાતિઓ ઉપરના અત્યાચારના બનેલા બનાવોમાં સહાય ચૂકવવા અંગે તથા સહાય ચૂકવવાના બાકી કેસોની સમીક્ષા, તાલુકા તકેદારી અને મોનીટરીંગ સમિતિઓની રચના કરવા તેમજ બેઠકો નિયમિત મળે તે અંગેની તથા આ સમિતિઓની કાર્યવાહીની સમીક્ષા સહિત વિવિધ મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ હસરત જૈસમીન, સરકારી વકીલશ્રી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ સહિત સભ્યશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.


