પ્રયાગરાજ મહાકુંભ મેળામાં માળા વેચીને ચર્ચામાં આવેલી વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મમાં કામ આપવાનો દાવો કરનારા ડાયરેક્ટર સનોજ મિશ્રાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તેમના પર ઝાંસીની એક યુવતી સાથે રેપ અને બ્લેકમેઈલિંગનો આરોપ પીડિતાના જણાવ્યાં મુજબ સનોજ જોડે તેની પહેલી મુલાકાત 2020માં ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. થોડા સમય સુધી ઓનલાઈન વાત ચાલી. પછી 17 જૂન 2021ના રોજ સનોજે ઝાંસી રેલવે સ્ટેશને મળવા માટે બોલાવી. જ્યારે યુવતીએ ના પાડી તો તેમણે આત્મહત્યાની ધમકી આપી. ડરના કારણે પીડિતા મળવા માટે ગઈ. બીજા દિવસે ફરીથી આત્મહત્યા કરવાની ધમકી આપીને તેને રિસોર્ટમાં લઈ જઈને નશીલો પદાર્થ ખવડાવ્યો અને દુષ્કર્મ કર્યું.
પીડિતાએ વધુમાં કહ્યું કે ત્યારબાદ સનોજે તેની અશ્લીલ તસવીરો અને વીડિયો બનાવ્યા અને બ્લેકમેઈલ કરવા લાગ્યા. તેમણે લગ્ન અને ફિલ્મી કરિયરની લાલચ આપીને પીડિતાને મુંબઈ બોલાવી. ત્યાં પણ તેનું માનસિક અને શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું.
ત્રણ વખત જબરદસ્તીથી ગર્ભપાત, પછી છોડી દીધી
પીડિતાનો આરોપ છે કે સનોજે તેની સાથે અનેકવાર મારપીટ કરી અને જબરદસ્તીથી ત્રણ વખત તેનો ગર્ભપાત કરાવ્યો. આખરે ફેબ્રુઆરી 2025માં સનોજે તેને છોડી દીધી અને ધમકી આપી કે જો તેણે ફરિયાદ કરી તો તેની અશ્લીલ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે.
કેવી રીતે થઈ ધરપકડ
પીડિતાની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે સનોજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો તો દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી. ત્યારબાદ નબી કરીમ પોલીસ મથકની પોલીસ દ્વારા તેમની ધરપકડ થઈ.
શું મોનાલિસાની કરિયર શરૂ થતા પહેલા જ ખલાસ?
આ કેસ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે સનોજ મિશ્રાનું નામ મહાકુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસા સાથે જોડાયું. તેમણે દાવો કર્યો હતો કે તેઓ મોનાલિસાને પોતાની ફિલ્મ ધ મણિપુર ડાયરીમાં કાસ્ટ કરી રહ્યા છે. પરંતુ તેમની ધરપકડ બાદ હવે આ પ્રોજેક્ટનું ભવિષ્ય અનિશ્ચિત જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ કેસમાં કયા કયા ખુલાસા કરે છે અને મોનાલિસાની ફિલ્મનું શું થશે?