ગરવી તાકાત, તા. 14 – ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે શુક્રવારથી લઈને રવિવાર સુધીનો સમય ઐતિહાસિક રહ્યો છે. રજનીકાંતની જેલર ફિલ્મ, સની દેઓલની ગદર 2, અક્ષય કુમારની ઓએમજી 2 અને ચિરંજીવીની ભોલા શંકર જેવી ફિલ્મોએ વાસ્તવમાં ગદર મચાવ્યું છે. આ ફિલ્મોએ ભેગા થઈને 390 કરોડ(ગ્રોસ) થી વધુની ગ્રોસ કમાણી કરી લીધી છે. અધિકૃત નિવેદન મુજબ 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કે ભારતીય બોક્સ ઓફિસની કુલ કમાણી ત્રણ દિવસમાં 390 કરોડને પાર પહોંચી ગઈ. આ ચાર ફિલ્મોના કલેક્શન વિશે ખાસ જાણો.
જેલર ફિલ્મ – રજનીકાંતની આ ફિલ્મ ગુરુવારે થિયેટરોમાં રિલીઝ થઈ. પહેલા દિવસે ફિલ્મે 48.35 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 46.74 ટકાના ઘટાડા સાથે 25.75 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યારે ત્રીજા દિવસે 33 ટકાના ઉછાળા સાથે 34.3 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યારે ચોથા દિવસે Sacnilkના રિપોર્ટ મુજબ 42.2 કરોડ રૂપિયાની કમાણી કરીને ફિલ્મનું કુલ કલેક્શન 150 કરોડ રૂપિયા (નેટ)ને પાર પહોંચી ગયું.
ગદર-2 – ગદર-2, જેલર બાદ વીકેન્ડ પર સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ છે. આ ફિલ્મે પહેલા અને બીજા દિવસે ક્રમશ: 40.1 કરોડ અને 43.08 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. જ્યારે Sacnilk ના રિપોર્ટ મુજબ ત્રીજા દિવસે 51.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 134.88 કરોડ રૂપિયા (નેટ) સુધી પહોંચી ગયું છે.
ઓએમજી-2 – ગદર-2ની સાથે સાથે થિયેટરમાં રિલીઝ થયેલી ઓએમજી-2 ફિલ્મ પણ સારી એવી કમાણી કરી રહી છે. પોઝિટિવ વર્ડ ઓફ માઉથના કારણે ફિલ્મની કમાણીમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં ક્રમશ 10.26 કરોડ, 15.3 કરોડ અને 17.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો ઓએમજીએ ત્રણ દિવસમાં 43.11 કરોડ રૂપિયા (નેટ)નો કારોબાર કર્યો છે.
ભોલા શંકર – ચિરંજીવી અને તમન્ના ભાટિયાની ફિલ્મ સિનેમાઘરોમાં લોકોનું મનોરંજન કરી રહી છે. 11 ઓગસ્ટના દિવસે રિલીઝ થયેલી ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં 26.4 કરોડ રૂપિયા (નેટ)ની કમાણી કરી લીધી છે.