ધ ફેમિલી મેનમાં અદ્ભૂત અભિનય કરનાર અને સાઉથ ઇન્ડિયન સિનેમાની જાણીતી એક્ટ્રેસ પ્રિયામણીના લગ્ન પર જાેખમ ઉભું થયું છે. પ્રિયામણી અને તેના પતિ મુસ્તફા રાજના લગ્ન પર આંગળી ચીંધાઈ છે. મુસ્તફાની પ્રથમ પત્ની આયશા હવે પ્રિયામણી અને મુસ્તફાના લગ્ન ગેરકાયદે હોવાનો આક્ષેપ કરી રહી છે. તેનું કહેવું છે કે, મુસ્તફાએ તેને છૂટાછેડા આપ્યા વગર જ પ્રિયામણી સાથે લગ્ન કર્યા છે.
આયશાએ પ્રિયામણી અને મુસ્તફા સામે અદાલતમાં ક્રિમિનલ કેસ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્તફાએ હજુ સુધી તેની સાથે છૂટાછેડા લીધા નથી, જેથી પ્રિયામણી અને મુસ્તફાના લગ્ન અમાન્ય છે.
આ પણ વાંચો – ફેન્સે સોશીયલ મીડિયા પર પુછ્યા સવાલ – શુ નેના કક્કડ પ્રેગ્નન્ટ છે ?
ઉલ્લેખનીય છે કે, આયશા અને મુસ્તફાને બે બાળકો છે. મુસ્તફા સામે આયશાએ હિંસાનો કેસ કર્યો છે. ત્યારબાદ 2017 માં પ્રિયામણી અને મુસ્તફાના લગ્ન થયા હતા. આ મામલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આયેશાએ કહ્યું હતું કે, મુસ્તફા હજુ પણ પરણિત છે અને મુસ્તફા તથા પ્રિયામણીના લગ્ન ગેરકાયદેસર છે. અમે છૂટાછેડાની અરજી કરી જ ન હતી અને પ્રિયામણી સાથે લગ્ન વખતે મુસ્તફાએ કોર્ટને પોતે અપરણિત હોવાનું કહ્યું હતું.
બીજી તરફ ન્યુઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં મુસ્તફાનું કહેવું છે કે, મારા સામે લગાવેલા બધા જ આક્ષેપો ખોટા છે. હું મારા બાળકોની સંભાળ માટે આયેશાને નિયમ મુજબ પૈસા આપું છું. તે મારી પાસેથી પૈસા પડાવવા માંગે છે.તેણે વધુમાં કહ્યું કે, તે અને આયેશા 10 વર્ષથી જુદા રહે છે. 2013માં આયશા સાથે તેના છૂટાછેડા થઈ ગયા હતા. મારા લગ્ન 2017માં પ્રિયામણી સાથે થયા હતા. તો પછી આયશા આટલા વર્ષો સુધી શા માટે શાંત રહી? આ સવાલના જવાબમાં આયશાએ કહ્યું કે, બે બાળકોની માતા હોવ ત્યારે તમે શું કરી શકો છો. વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયાસ થાય છે, પણ ઉકેલ ન આવે તો કેટલાક કડક પગલાં લેવા પડે છે.