કોરોના મહામારીએ ગુજરાતમાં ગંભીર સ્વરૂપ ધારણ તો કર્યુ જ છે, સાથોસાથ તેનો પોઝિટિવિટી રેટ પણ ભયાનક સ્તરે પહોંચી રહ્યો છે. બીજી બાજુ ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઇડલાઇની જાહેરાત કરી શકે છે. ત્યારે ગુજરાતના અનેક પ્રખ્યાત સિંગર અને કલાકારોને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા હોવાની માહિતી મળી રહી છે. આ અહેવાલથી તેમના પ્રશંસકોને મોટો ઝટકો લાગ્યો છે.
ગુજરાતમાં હવે જાણીતા સિંગરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, તેમાં ગુજરાતી સિંગર રાકેશ બારોટ, રાજલ બારોટ અને જીગ્નેશ કવિરાજ કોરોના સંક્રમિત થયા છે. ત્રણેય કલાકારો ઘરે જ હોમ ક્વોરોન્ટાઇન થયા છે. જ્યારે આ અગાઉ ગુજરાતી એક્ટર હેમાંગ દવે, દીક્ષા જોશી અને ફિલ્મ ‘છેલ્લો દિવસ’ ફૅમ એક્ટર મિત્ર ગઢવી કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
ગુજરાતી સિંગર જીગ્નેશ કવિરાજે પોતાના સોશિયલ મીડિયા પર કોરોનાથી સંક્રમિત થયા હોવાની જાહેરાત કરી છે. જીગ્નેશ કવિરાજે પોસ્ટમાં જણાવ્યું કે મારો Covid 19 રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે અને હું અત્યારે હોમ ક્વોરન્ટાઈન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો રિપોર્ટ કરાવી લે. કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી, કોરોનાથી સાવચેતી રાખવી આપણા અને આપણા પરિવાર માટે જરૂરી છે, રાકેશ બારોટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતાં જણાવ્યું કે તેઓ પણ કોરોના પોઝિટિવ છે. ત્યારે તેમના ચાહકોએ બંને સિંગર જલ્દીથી સાજા થાય, તે માટે પ્રાર્થના કરી છે.
(ન્યુઝ એજન્સી)


