સુરતમાં ૧૦૦ કરોડની જમીન બેંક હસ્તક ના થાય તે માટે મુખ્યમંત્રીને ફરિયાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

સુરતના ઇચ્છાપોરમાં એબીજી શિપયાર્ડ કંપની દ્વારા સંચાલિત એબીજી ફાઉન્ડેશન ટ્રસ્ટને ૨૦૦૭માં ગુજરાત સરકારે મેરી ટાઈમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે ફાળવેલી ૧૦૦ કરોડની વર્તમાન બજાર કિંમતની ૧.૨૧ લાખ ચોરસ મીટર જમીન બેંકો હસ્તક જતી ન રહે એ માટે પર્યાવરણવિદ જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી અને જીઆઇડીસીના એમડીને ઈમેલથી ફરિયાદ કરી હતી. એના અનુસંધાનમાં ફાળવેલી રોડ ટચ ૧.૨૧ લાખ ચો.મી. જમીન સિલ કરી પ્રત્યક્ષ કબજાે લઈ જપ્તિની કાર્યવાહી પૂર્ણ કરી છે.

ઓક્ટોબર ૨૦૦૭માં એબીજી શિપયાર્ડના માલિક ઋષિ અગ્રવાલ અને અન્યોએ દેશની પ્રથમ મરિન યુનિવર્સિટી સુરતના ઇચ્છાપોરમાં અને ભરૂચમાં બનાવવા વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે એમઓયુ કરી મેળવી હતી. જીઆઇડીસીનો હવાલો સાંભળતા એ સમયના અધિકારીઓએ તમામ નિયમો અભરાઇએ ચઢાવી ૫૦ ટકા ડિસ્કાઉન્ટ ભાવે જમીન એબીજી ફાઉન્ડેશનને ફાળવી હતી. દેશની ૨૮ બેંકોના ૨૨,૮૪૨ કરોડ ડૂબાડનાર એબીજી શિપયાર્ડના માલિકો સિંગાપોર ભાગી જતા બેન્કોએ રિકવરી શરૂ કરી છે,એને પગલે આ જમીન પર સુરતે ફરી કબજાે મેળવ્યો છે અને સીલ મારી દેવામાં આવ્યું છે.

જાગૃત નાગરિક અને પર્યાવરણવિદ એમ.એસ.એચ. શેખે ઇચ્છાપોરમાં જીઆઇડીસીએ મરિન યુનિવર્સિટી માટે આપેલી કરોડોની જમીન પરત લેવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જીઆઇડીસીના એમડી. એમ. થેન્નારસનને પત્ર લખી બિન વપરાશી જમીન પરત લેવા ઈમેઈલ મોકલી ચેતવ્યા હતા. ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું નહિતર આ જમીન પર બેન્ક દ્વારા કાર્યવાહી કરવામાં આવે એમાં કોઈ શંકા ન હતી.

તાજેતરમાં જ દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી સામે આવી છે. જેમાં એબીજી શિપયાર્ડ લિમિટેડના ચેરમેન અને કો-મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી તેમજ ત્રણ અન્ય ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેતિયાને આરોપી બનાવ્યા છે.નવેમ્બર ૨૦૧૯માં ૨૮ બેન્ક દ્વારા સીબીઆઇને ફરિયાદ કરવામાં આવી હતી. દોઢ વર્ષ સુધી ચાલેલા કંપનીના ફોરેન્સિક ઑડિટમાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. એ પછી ગત ૭ ફેબ્રુઆરીના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અર્ન્સ્‌ટ એન્ડ યંગ દ્વારા કંપનીનું ફોરેન્સિક ઑડિટ કરવામાં આવ્યું હતું. પ્રમોટરોએ સાંઠગાંઠ કરીને લોનની રકમ સગેવગે કરી હતી.

સુરતના મગદલ્લામાં ૧૯૮૫માં શરૂ થયેલી એબીજી શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી. ૧૯૯૧ સુધી સારો નફો કર્યો. દેશ-વિદેશમાંથી ઓર્ડર મળવા લાગ્યા પણ ૨૦૧૬માં કંપનીને ૫૫.૭ કરોડ ડોલરની ખોટ ગઇ. વેપાર ઘટતાં ટર્નઓવર ઘટ્યું. કંપનીનો ખર્ચ વધુ હોવાથી અને બિઝનેસ ઘટવાથી ખોટ વધતી ગઇ. વૈશ્વિક મંદીમાંથી પણ બેઠી ન થઇ શકી. અમુક હિસ્સો રશિયન કંપનીને વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.