— આઠ વર્ષના લગ્નગાળા બાદ ત્રાસ આપી
— નાગલપુરની યુવતીના લગ્ન ઊંઝાના ટુંડાવ ગામે થયા હતા સાસરિયા પક્ષના બે મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો
ગરવી તાકાત મહેસાણા: મહેસાણાના નાગલપુરની અને ઊંઝાના ટુંડાવ ગામે રહેતી પરિણીતા પાસે દહેજ પેટે રૃ.૬ લાખની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી અપશબ્દો બોલી મારઝૂડ કર્યાની ફરિયાદ મહેસાણા સ્થિત મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સાસરિયા સામે નોંધાવી હતી.
મહેસાણાના નાગલપુર ખાતેની વિક્રમનગર સોસાયટીમાં રહેતા બાબુલાલ ભુદરભાઈ પટેલની પુત્રી સોનલબેનના લગ્ન વર્ષ ૨૦૧૩માં ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે રહેતા કોમ્પ્યુટર એન્જિનિયર હિતેષ પ્રવીણભાઈ પટેલ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સોનલબેન એક સાત વર્ષીય પુત્રીના માતા બન્યા હતા. લગ્નના શરૃઆતમાં સારી રીતે રાખ્યા બાદ પતિ હિતેશ પ્રવીણભાઈ પટેલ દ્વારા દહેજ પેટે રૃ.૬ લાખની માંગણી કરી મહેણાટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી હેરાન કરતા હતા. પતિની સાથે સાસુ, સસરા, નણંદ, દીયર સહિતના માનસિક ત્રાસ ગુજારી મદદગારી કરતા હતા
સાસરિયાના ત્રાસ અને પતિની અવારનવારની મારપીટથી કંટાળી જઈ સોનલબેન હિતેષભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી પિતાના ઘરે નાગલપુર, મહેસાણા રિસામણે રહેવા આવી ગયા હતા. આ અંગે પરિણીતા સોનલબેન બાબુલાલ પટેલ (ઉવ.૩૧)એ મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ હિતેષ પ્રવીણભાઈ પટેલ, સસરા પ્રવીણ શંકરભાઈ પટેલ, સાસુ ચંદ્રિકાબેન પ્રવીણભાઈ પટેલ, દીયર લોપેશ પ્રવીણભાઈ પટેલ (રહે.તમામ ટુંડાવ, તા.ઊંઝા) તથા નણંદ નીલમબેન નીરવકુમાર પટેલ (રહે.બ્રામણવાડા, તા.ઊંઝા) વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દહેજ પ્રતિબંધક ધારા સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.