નવી દિલ્હી,તા. 26 : ઉતર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો હોય તેમ દિલ્હીથી માંડીને કાશ્મીર સુધી હાડ થીજાવતી ઠંડી છે અને આવતા ચાર દિવસ સુધી કોલ્ડ વેવમાં કોઇ રાહત નહીં મળવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. નાતાલ જેવા તહેવારો વખતે કાતિલ ઠંડીને કારણે ઉજવણી પણ ફિક્કી બની ગઇ હતી અને લોકો ઘરમાં જ કેદ રહેવા મજબૂર બન્યા હતા. બર્ફીલી હવાઓને કારણે ઠંડીની કાતિલતા વધુ માલુમ પડી રહી છે. 
રાજધાની દિલ્હીમાં પ્રથમ વખત દિવસે પણ ગંભીર કોલ્ડ વેવ જેવી હાલત બની રહી હતી અને તાપમાનનો પારો 15 ડિગ્રીથી પણ નીચે ઉતરી ગયો હતો જ્યારે અમુક સ્થળોએ ન્યુનતમ તાપમાન 3 ડીગ્રી થઇ ગયું હતું. હવામાન વિભાગે સમગ્ર ઉતર ભારત માટે ચાર દિવસ શીતલહેરમાંથી કોઇ રાહત નહીં મળવાની ચેતવણી આપી છે અને યલો એલર્ટની ઘોષણા કરી છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે દિલ્હીમાં કોલ્ડ વેવ આ વખતે મોડો શરુ થયો છે. ગત વર્ષે 18 ડીસેમ્બરે જ પ્રથમ શીત લહેર શરુ થઇ ગઈ હતી. જો કે ગત વર્ષે મહત્તમ તાપમાન 17.8 ડીગ્રી નોંધાયું હતું.
પાટનગર દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચીમી ઉતરપ્રદેશ અને ઉત્તરીય રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો હતો અને આ રાજ્યોમાં પણ આવતા ચાર દિવસ રાહત મળવાની સંભાવના નથી. પંજાબમાં મોગામાં તાપમાન ગગડીને 2.2 ડીગ્રી નોંધાયુ હતુ. કાશ્મીરના શ્રીનગરમાં તાપમાન માઈનસ 5.8 ડીગ્રી નોંધાયું હતું. લેહ અને કારગીલમાં પાણી થીજી ગયા હતા. આજે વરસાદ અને હીમ વર્ષાની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં તેલાંગ ખાતે તાપમાન માઈનસ 10.8 ડીગ્રી નોંધાયું હતું. મનાલી સહિત રાજ્યના 7 ક્ષેત્રોમાં તાપમાન માઈનસ ડીગ્રી નોંધાયું છે.


