તૂટેલા રસ્તાની જવાબદારી માત્ર સરકારની નથી; કોર્પોરેશન – પાલિકા પોતપોતાના વિસ્તારોમાં કામગીરી કરે; તાકીદ
રાજયનાં માર્ગ-મકાન વિભાગ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓએ, જીલ્લા વહીવટી તંત્રએ સંકલનમાં રહીને આ તૂટી ગયેલા રોડ રસ્તા તાત્કાલીક રીપેર કરવા માટે આદેશ
તૂટતા રોડ રસ્તા – પૂલથી સરકારની બદનામી; ફરિયાદના પત્રો ‘લીક’ કેવી રીતે થઈ જાય છે?
ગરવી તાકાત, ગાંધીનગર તા.1 – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે વર્તમાન ચોમાસા દરમ્યાન ભારે વરસાદને કારણે રોડ-રસ્તા તૂટી જવાને લીધે સરકારની જે બદનામી થઈ રહી છે.કયાંક કયાંક ભ્રષ્ટાચારનાં આક્ષેપો થઈ રહ્યા છે તેને રોકવા માટે રાજયનાં માર્ગ-મકાન વિભાગ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓએ, જીલ્લા વહીવટી તંત્રએ સંકલનમાં રહીને આ તૂટી ગયેલા રોડ રસ્તા તાત્કાલીક રીપેર કરવા માટે આદેશ કર્યો હતો. એવી જ રીતે છેલ્લા કેટલાંક સમયથી ભાજપના ધારાસભ્યો દ્વારા જે તે મુદ્દે મુખ્યમંત્રી મંત્રીઓ, કલેકટરો, ડીજીપીને લખાતા પત્રો જે તે પદાધિકારીને પહોંચે તે પહેલા મિડીયામાં લીક થઈ જાય છે. તેની સામે તેમણે નારાજગી વ્યકત કરીને આ રીતે લખાતા અને લીક થતાં પત્રોને અટકાવવાની ખાસ તાકીદ કરી હતી.
જાણવા મળેલી વિગતો મુજબ, વર્તમાન ચોમાસા દરમ્યાન અસામાન્ય રીતે જે તે એક જ વિસ્તારમાં 4 થી 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતાં તે વિસ્તારોનાં રોડ-રસ્તા તૂટી જવાના કે પુલ-બ્રિજમાં ગાબડા પડવાના અનેક બનાવો નોંધાયા છે. જેના કારણે રોડ-રસ્તા કે પુલોના બાંધકામની ગુણવતા સામે સવાલો ઉભા કરાઈ રહયા છે. ભ્રષ્ટાચારનાં પણ મોટાપાયે આક્ષેપો થઈ રહ્યા છે. એટલે મુખ્યમંત્રીએ મંત્રીમંડળની બેઠક્માં આ મુદ્દો ઉપસ્થિત કરીને ગુજરાત સરકારના માર્ગ-મકાન વિભાગને તાત્કાલીક આ તૂટી ગયેલા કે ગાબડા પડેલા રસ્તાઓને રીપેર કરવાનો આદેશ કર્યો હતો.
સાથોસાથ તેમણે એવી પણ દલીલ કરી હતી કે આ જવાબદારી એક માત્ર ગુજરાત સરકારની જ નથી પરંતુ કેટલાંક રસ્તાઓ, મહાનગરો, નગરપાલીકા વિસ્તારોમાં પણ તૂટયા છે. તો આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે પછી જે તે પ્રજાના પ્રતિનિધિઓએ પણ તે જવાબદારી સ્વીકારીને રસ્તા તાકીદે રીપેર થાય તે દિશામાં સહયોગી થવુ જોઈએ.
એવી જ રીતે વર્તમાન રાજય સરકારમાં એક ખાસ વાત એ જોવા મળી છે કે ભાજપનાં જ ધારાસભ્યો જે તે મુદ્દાને લઈ મુખ્યમંત્રી, મંત્રીઓ, કલેકટરો કે ડીજીપીને પત્રો લખે છે. જેમાં જે તે મુદ્દે આક્ષેપાત્મક લખાણો પણ હોય છે. ભલે તે પત્રોની વિગતો સાચી હોય કે તપાસ માંગી લેતી હોય તો પણ તે પત્રો મુખ્યમંત્રી, મંત્રીઓ, કલેકટરો કે પોલીસ અધિકારીઓને મળે તે પહેલાં તો, તે મીડીયામાં લીક કરી દેવાય છે. જેના કારણે રાજય સરકારની રીતસરની બદનામી થાય છે અને વિરોધપક્ષને પણ તે બાબતે સરકાર સામે આક્ષેપો કરવાની તક મળે છે એટલે મુખ્યમંત્રીએ મંત્રીમંડળની બેઠકમાં આવા પત્રો લીક ન થાય તેની ખાસ તાકીદ કરી હતી.