–> આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી :
-> મુખ્યમંત્રી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં માતબર વધારો થયો :
-> ₹10 લાખનું આરોગ્યરક્ષા કવચ આપીને પીએમ મોદીએ જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે :
ગરવી તાકાત મહેસાણા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે 10 વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર અત્યાધુનિક મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખીને જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે, તેના પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે. મુખ્યમંત્રીએ આ અવસરે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપનાર સૌ દાતાઓને સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રીએ આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે, 11 વર્ષના તેમના કાર્યકાળમાં તબીબી સેવાની સાથે તબીબી શિક્ષણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. જ્યારે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં 1,175 મેડિકલ સીટો હતી તેમના વિઝનરી નેતૃત્વમાં તેમાં માતબર વધારો થયો છે.આના પરિણામે અંતરિયાળ ગામડાઓમાં પણ હવે ડોક્ટરોની સુવિધા સરળતાથી મળતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે લોકોનું જીવન સ્વસ્થ રહે અને મોંઘી સારવારનો ખર્ચ ઘટે તે માટે આયુષ્માન યોજના હેઠળ ₹૫ લાખની મફત સારવારની વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે તેમાં વધુ ₹5 લાખ ઉમેરીને ગુજરાતની જનતાને કુલ ₹10 લાખનું આરોગ્યરક્ષા કવચ પૂરું પાડ્યું છે.

આજે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કિમોથેરાપી સેન્ટર શરૂ થયા છે, જેના કારણે લોકોને ગંભીર રોગોની સારવાર માટે દૂર જવું પડતું નથી તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય સેવા માટે ડોક્ટરો અને કુશળ મેડિકલ સ્ટાફ એ પાયાની જરૂરિયાત છે અને વડાપ્રધાનશ્રીએ આ જરૂરિયાત પૂરી કરવા મેડિકલ સીટોમાં મોટો વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં PHC, CHC અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જેવું એક મજબૂત માળખું વિકસ્યું છે. મંત્રીએ હોસ્પિટલના વ્યૂહાત્મક સ્થાનને કારણે રોડ અકસ્માત જેવી ક્રિટિકલ આપદામાં તે ખૂબ મદદરૂપ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઊંઝા ખાતે નિર્માણ પામનાર આ હોસ્પિટલનું મકાન 1 લાખ ચોરસ ફૂટના વિસ્તાર.

અને 10 વીઘાના વિશાળ કેમ્પસ સાથે અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરશે.હોસ્પિટલમાં 4 ઓપરેશન થિયેટર, 200થી વધુ પથારીઓ, 20 આઇસીયુ બેડ અને 20 સ્પેશિયાલિટી ક્લિનિક્સની સુવિધા ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલમાં જનરલ મેડિસિન, ન્યુરો અને સ્પાઇન, ઓર્થોપેડિક, પ્રસૂતિ અને સ્ત્રીરોગ, કાર્ડિયોલોજી,ઓન્કો સર્જન અને ક્રિટિકલ કેર જેવા તમામ મહત્વના વિભાગો કાર્યરત થશે. તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, IVF, NICU-PICU, કીમોથેરાપી સેન્ટર અને ગાયનેક લેબર રૂમ જેવી વિશેષ સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે. વધુમાં, 24/7 સેવાઓ હેઠળ ફાર્મસી, લેબોરેટરી, સીટી સ્કેન, ડિજિટલ એક્સ-રે,બ્લડ બેંક અને ‘ICU ઓન વ્હીલ્સ’ જેવી નિર્ણાયક સુવિધાઓ દર્દીઓની તાત્કાલિક સંભાળ માટે ઉપલબ્ધ રહેશે.

સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈએ આ પ્રસંગે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય ૧૦૦૮ મહંત જયરામગિરિજી ગુરુ બળદેવગિરિજી મહારાજ, ધારાસભ્યો કે. કે. પટેલ (ઊંઝા), મુકેશભાઈ પટેલ (મહેસાણા), સરદારભાઈ ચૌધરી (ખેરાલુ), સુખાજી ઠાકોર (બહુચરાજી), રાજેન્દ્રભાઈ ચાવડા (કડી), કિરીટભાઈ પટેલ (પાટણ), ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશ પટેલ, અગ્રણી ગિરીશ રાજગોર, કલેક્ટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન તેમજ હોસ્પિટલના દાતાઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



