મહેસાણા જિલ્લાની સાતમાંથી ૬ બેઠકો પર ભાજપની જીત માત્ર વિજાપુરમાં કોંગ્રેસની જીત

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લાની ચાર બેઠકો કોંગ્રેસ જીતતું હોવાનો મિડીયા એક્ઝીટ પોલ ખોટા પડ્યાં

ગરવી તાકાત, મહેસાણા તા. ૦૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું દમદાર ખમીરવંતુ પરિણામ ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યું છે. તમામ રાજકિય પક્ષોનો કચ્ચરઘાણ કાઢી રેકોર્ડબ્રેક જીત ભાજપે હાંસલ કરી છે. ગુજરાત સરકારમાં ફરી એકવાર ભાજપ બનાવવા જઇ રહી છે તેમજ ભાજપની જે બેઠકો એકઝીટ પોલમાં ગુજરાત માટે દર્શાવવામાં આવી હતી તેના કરતાં વધુ બેઠકો ભાજપે ગુજરાતમાં મેળવી છે કોંગ્રેસના સૂફડા સાફ કરી નાખ્યાં છે તો આમ આદમી પાર્ટીનું ઝાડું શોધ્યું જડે તેમ નથી તેવા હાલ ભાજપે કર્યા છે. જ્યારે મહેસાણા જિલ્લાની સાત બેઠકો વિસનગર, ખેરાલુ, મહેસાણા, બહુચરાજી, વિજાપુર, ઊંઝા, કડી પૈકી ચાર ઉપર કોંગ્રેસની જીત થતી હોવાનો મિડીયાનો એકઝીટ પોલ ખોટા સાબિત થયા છે અને મહેસાણા જિલ્લો ફરી એકવાર ભાજપનો ગઢ સાબિત થયો છે જેમાં મહેસાણાની સાત બેઠકોમાંથી છ બેઠકો પર વિજય મેળવ્યોં છે તો માત્ર એક વિજાપુરની બેઠક પર કોંગ્રેસને વિજય થવામાં સફળતાં મળી છે.

ઉતર ગુજરાતમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આ ઝોનની 32માંથી 24 બેઠકોમાં ભાજપના ઉમેદવારો આગળ છે. કોંગ્રેસને માત્ર પાંચ બેઠક પર લીડ હતી. આપના ઉમેદવાર એક તથા અન્ય બે બેઠક પર આગળ હતા. દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હોય તેમ 35માંથી 28 બેઠકોમાં ભાજપ ઉમેદવારોને લીડ હતી જયારે કોંગ્રેસ પાંચ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બે બેઠકોમાં આગળ હતા. મધ્ય ગુજરાતમાં ભાજપનો સપાટો યથાવત હતો. 61માંથી 54 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઈ હતી. કોંગ્રેસને 4, આપને એક બેઠક પર લીડ હતી.

આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસ બન્નેને નુકસાન થશે તેવું ગણિત મંડાઈ રહ્યું હતું પરંતુ જેવી રીતે દિલ્હી અને પંજાબમાંથી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો કાંટો કાઢી નાખીને સત્તા હાંસલ કરી લીધી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસનો સફાયો કરીને તેને વધુ પાંચ વર્ષનો વનવાસ આપવામાં સિંહફાળો ભજવ્યો છે. બીજી બાજુ આપની એન્ટ્રીથી ભાજપને કોઈ જ નુકસાન જવાને બદલે ફાયદો થઈ રહ્યો હોય તેવી રીતે અત્યારે પણ તે અડીખમ બનીને ઉભો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.