દર્શન કરવા ગયેલા યુવક સાથે સામાન્ય તકરાર બાદ ઘાતક હથિયારો સાથે ખૂની ખેલ ખેલાયો: ધારિયા-કોસ વડે હુમલો કરી પાંચને લોહીલુહાણ કર્યા
ઠપકો આપવા ગયેલા પરિવાર પર 11 શખ્સો તૂટી પડ્યા, માથામાં ધારિયાના ઘા ઝીંકાયા; ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને તાકીદે અમદાવાદ સિવિલ ખસેડાયા, બેચરાજી પોલીસે ગુનો નોંધ્યો

ગરવી તાકાત
બહુચરાજી: મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના રૂપપુરા ગામે માત્ર ‘સામે જોવા’ જેવી ક્ષુલ્લક બાબતમાં શરૂ થયેલી સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરતાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા યુવકો સાથે શરૂ થયેલા વિવાદ બાદ ઠપકો આપવા ગયેલા પરિવાર પર સામા પક્ષના શખ્સો ધારિયા, લોખંડની કૌંસ અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ જીવલેણ હુમલામાં એક જ પરિવારના પાંચ જેટલા સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ત્રણ વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક જણાતાં તેઓને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને બેચરાજી પોલીસ મથકે કુલ ૧૧ શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ લોહિયાળ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રૂપપુરા ગામના ત્રીસ ધરોનો માઢ વિસ્તારમાં રહેતા અને ખાનગી નોકરી કરતા રવિન્દ્રસિંહ ઉર્ફે રાહુલસિંહ કનુભા ઝાલા ગત ૧ નવેમ્બરની રાત્રિના સુમારે ગામના અર્જુનસિંહ વાલસંગ ઝાલા સાથે ગામમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન દરમિયાન મંદિર પાસેના ચોકમાં બેઠેલા ગામના જ જયવિરસિંહ અનુભા ઝાલા, ધીરૂભા અનુભા ઝાલા અને અનિરૂધ્ધસિંહ ભાવુભા ઝાલા સાથે નજર મળી જતાં ત્રણેય શખ્સો અચાનક ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ ‘કેમ અમારી સામે જુઓ છો?’ તેમ કહીને તકરાર ઊભી કરી હતી. રવિન્દ્રસિંહે પોતાની કોઈ બદદાનત ન હોવાનું અને સામે જોતા ન હોવાનું સ્પષ્ટ કરવા છતાં ઉશ્કેરાયેલા શખ્સોએ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઝપાઝપીમાંથી માંડ માંડ બચીને રવિન્દ્રસિંહ અને તેમના સાથીદાર ત્યાંથી સીધા ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચીને સમગ્ર આપવીતી પરિવારના વડીલો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આથી પરિવારના વડીલ સભ્યો કનુભા મોહનસંગ ઝાલા, વિજુભા મોહનસંગ ઝાલા, મહીપતસિંહ કાળુભા ઝાલા, મુન્નુભા કાળુભા ઝાલા અને વિહુભા મોહનસંગ ઝાલાએ ભેગા મળીને સામા પક્ષના ઘરે જઈ આવી સામાન્ય વાતે મારપીટ ન કરવા બાબતે શાંતિથી ઠપકો આપવાનું નક્કી કર્યું હતું. રાત્રિના આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે પરિવારના સભ્યો ગામમાં રાવળના વાડા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામા પક્ષના હુમલાખોરો પૂર્વયોજિત કાવતરા મુજબ જીવલેણ હથિયારોથી સજ્જ થઈને ત્યાં ધસી આવ્યા હતા.
હુમલાખોરો પૈકી અનુભા હેમતસંગ, દીલુભા હેમતસંગ અને જયવિરસિંહ અનુભાના હાથમાં તીક્ષ્ણ ધારિયાં હતાં, જ્યારે ધીરૂભા અનુભા પાસે લોખંડની કૌંસ (કોસ) હતી. આ ઉપરાંત હેમતસંગ હરચંદસંગ, લગધીરસિંહ કીર્તિસિંહ, બળવંતસિંહ બાલસંગ, અનિરૂધ્ધસિંહ ભાવુભા, મુકેશસિંહ દીલુભા, લાલો બળવંતસિંહ અને અર્જુનસિંહ વાલસંગના હાથમાં લાકડીઓ હતી. આ હથિયારધારી ટોળાએ ‘આજે તમોને જીવતા જવા દેવાના નથી અને જાનથી મારી નાખવાના છે’ તેવી ગર્જના કરીને ઠપકો આપવા આવેલા પરિવાર પર અંધાધૂંધ હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન અનુભા હેમતસંગે ધારિયા વડે રવિન્દ્રસિંહના મોટા બાપા વિજુભાના માથામાં ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો, તે વખતે લગધીરસિંહે વિજુભાને પાછળથી પકડી રાખતાં અનુભાએ સીધો ધારિયાનો ઘા તેમના માથામાં ઝીંકી દીધો હતો.
આ ખૂની ખેલમાં દીલુભા હેમતસંગે કનુભા મોહનસંગને ડાબા હાથની કોણી અને જમણી હથેળી પર ધારિયાથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ધીરૂભા અનુભાએ મહીપતસિંહ કાળુભાને ડાબા ગાલ પર લોખંડની કોસ મારી દીધી હતી. આ ઉપરાંત જયવિરસિંહ અનુભાએ મુન્નુભા કાળુભાના માથામાં ધારિયું માર્યું હતું અને અનિરૂધ્ધસિંહ સહિતના અન્ય શખ્સોએ ફરિયાદી રવિન્દ્રસિંહ તથા અન્ય લોકોને લાકડીઓ વડે બેફામ માર મારીને લોહીલુહાણ કરી દીધા હતા. રાત્રિના અંધકારમાં ચીસાચીસ અને હોબાળો મચી જતાં આસપાસમાંથી વાલસંગ રૂપરંગ, ટીનુભા વિનુભા, દાનભા જગતસંગ, લખુભા વિહુભા અને કાળુભા વિજુભા સહિતના ગ્રામજનો દોડી આવ્યા હતા. લોકોનું ટોળું એકઠું થતાં જ હુમલાખોરો જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપતા આપતા ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
હુમલામાં લોહીલુહાણ હાલતમાં પડેલા પાંચેય ઈજાગ્રસ્તોને ગામના જ ટીનુભા વિનુભા અને નાગુભા ભુપતસંગની ઇકો ગાડીઓમાં તાબડતોબ મહેસાણા જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વિજુભા મોહનસંગ, કનુભા મોહનસંગ અને મહીપતસિંહ કાળુભાની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક જણાતાં ફરજ પરના તબીબોએ ત્રણેયને વધુ સઘન સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. જ્યારે રવિન્દ્રસિંહ અને મુન્નુભા મહેસાણા સિવિલના મેલ સર્જીકલ વોર્ડમાં દાખલ રહીને સારવાર લઈ રહ્યા છે. બનાવ અંગે બેચરાજી પોલીસ મથકે રવિન્દ્રસિંહ ઝાલાની ફરિયાદના આધારે તમામ ૧૧ શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.