ગરવી તાકાત અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિતના રાજીનામાના લઇને ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અને ઠેર ઠેર પૂતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું લીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ #Resign_Asitvora નામથી અભિયાન પણ શરૂ થયું છે.
ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અસિત વોરા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને આ ઉપરાંત રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી ગઇ હતી. અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે કેમ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચાઓ પણ થઇ હતી.