અમરેલી જીલ્લા પંચાયતમાં ભાજપના ચુંટાયેલ સભ્યો અને ડીડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલાને શાંત પાડવા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા અને સાંસદ નારણ કાછડીયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડીડીઓ સાથે ભાજપના નેતાઓએ હલ્લાબોલ કરી દેતાં અંતે પોલીસની મદદ માંગવાનો વારો આવ્યો હતો.
અમરેલી જીલ્લામાં આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાવાની છે જેથી ભાજપના ચુંટાયેલા સભ્યોએ માંગ કરી હતી કે, 110 તલાટીઓની બદલી કરવામાં આવે. આ માંગથી નાયબ જીલ્લા વિકાસ અધિકારી સહમત નહી થતાં મામલો બીચક્યો હતો. જેથી ભાજપના 20થી વધુ સદસ્યો અને ચેરમેન ડીડીઓની ચેમ્બરમાં ઘુસી જઈ, કોઈ પણ કાળે બદલી કરી આપવાની જીદ કરી હતી. ડીડીઓએ પોલીસ અધિક્ષકની મદદ માંગી હતી. પોલીસનો કાફલો તથા ભાજપના ઉચ્ચ પદાધીકારીઓ/નેતાઓ સ્થળે પહોંચી જતાં માંડ માંડ મામલો શાંત પડ્યો હતો. ચુંટાયેલા સભ્યોની રજુઆતને અધિકારીઓ સાંભળતા ના હોવાના આરોપસર ભાજપના 20થી વધુ સભ્યો તથા જીલ્લા પંચાયતના પ્રમુખ મુખ્યમંત્રીને રજુઆત કરવા રવાના થયા છે.