દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ લોકો મીઠાઈ-ફરસાણની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે. તો આ સાથે મીઠાઈમાં ભેળસેળ પર શરૂ થઈ જતી હોય છે. જેથી હવે ફુડસેફ્ટી વીભાગના ઓફીસરોએ મહેસાણા જીલ્લામાં 54 સ્થળે ઓચીંતી તપાસ હાથ ધરી સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા છે. જો આ સેમ્પલમાંથી કોઈ પણ મીઠાઈમાં ભેળસેળ જોવા મળશે તો વેપારી વિરૂધ્ધ કડક પગલા ભરવામાં આવશે.
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ફુડ એન્ડ ડ્રગ વિભાગે ફરસાણ-મીઠાઈઓમાં ભેળસેળ અટકાવવા છેલ્લા 24 દિવસમાં મહેસાણાના 54 સ્થળો પર ઓચીંતી તપાસ હાથ ધરી છે. ફુડ સેફ્ટિ વિભાગની ઓચીંતી તપાસમાં 8 ઓફિસરો સામેલ હતા. જે 54 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં ઊંઝાના 13, વિસનગરના 11, મહેસાણાના 9 , ખેરાલુના 6, કડીના 5, વિજાપુરના 4,બહુચરાજીના 4 અને જોટાણામાંથી 2 સેમ્પલ ટેસ્ટ માટે લીધા હતા. આ સેમ્પલને ટેસ્ટ માટે લેબમાં મોકલાયા છે. જેમાં ભેળસેલ માલુમ પડશે તે એકમના વેપારીને દંડ કરવામાં આવશે. ફુડ વિભાગની ઓચીંતી તપાસથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે સેમ્પલ ટેસ્ટ માટે લેવાયા છે તેમાં કાજુકતરી, પેંડા, મગદળ, બરફી, બુંદી, દેવડા, કેસરબરફી, જલેબી વગેરે લુઝ મિઠાઇ તેમજ ઘી, દૂધ, પનીર, આઇસ્ક્રીમ ઉપરાંત ચોળાફળી, ફાફડા, પાપડી, સક્કરપારા વગેરે ફરસાણનાં સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
આ મામલે ફુડ સેફ્ટી વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણવાએ કહ્યું હતુ કે, લોકોને મિઠાઇ, ફરસાણ આરોગ્યપ્રદ મળી રહે તેવા હેતુથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેવાયેલાં ફરસાણ, મિઠાઇ, નમકીન વગેરેનાં નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા છે. લેબમાંથી પરિણામ આવ્યા બાદ ભેળસેળવાળા સેમ્પલના માલીક વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી અથવા કોર્ટરાહે પગલાં ભરવામાં આવશે.