ગરવી તાકાત ઃતા.12-9-2026
બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પંથકમાં લાંબા સમયના પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાએ પધરામણી કરી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ મોટી રાહત અનુભવી છે. ચોમાસાની સિઝનના પ્રારંભથી લઈને અત્યાર સુધી પૂરતો વરસાદ ન નોંધાવાને કારણે ખેડૂતો ગંભીર ચિંતામાં મુકાયા હતા અને તેમના ઊભા પાક પર મોટો ખતરો મંડરાઈ રહ્યો હતો. જોકે, આ વિસ્તારમાં થયેલા વરસાદી આગમનને કારણે મુરઝાઈ રહેલા પાકને નવજીવન મળવાની આશા બંધાઈ છે અને ખેતરોમાં ફરી એકવાર હરિયાળી લહેરાશે તેવો વિશ્વાસ ધરતીપુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
ઈકબાલગઢ નગર સહિત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબંગ વાદળો ઘેરાયા બાદ ધીમી તેમજ મધ્યમ ગતિએ વરસાદ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ભારે બફારાથી ત્રસ્ત બનેલા ગ્રામજનોને આ વરસાદી ઝાપટાંના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમીથી મોટી રાહત મળી છે. ખેતરોમાં જરૂરી ભેજનું પ્રમાણ સર્જાવાથી લાંબા સમયથી વરસાદના અભાવે સુકાઈ રહેલા પાકને તાત્કાલિક જીવનદાન મળ્યું છે, જેને પગલે ચિંતાતુર બનેલા ખેડૂત પરિવારોમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.
જોકે સમગ્ર જિલ્લાની સ્થિતિ પર નજર કરીએ તો અત્યાર સુધી અપૂરતા વરસાદને કારણે મોટાભાગના નાના-મોટા જળાશયો, ચેકડેમો અને નદી-નાળાઓમાં હજુ સુધી નવા નીરની નોંધપાત્ર આવક થઈ નથી. મોટાભાગના જળાશયો ખાલીખમ જેવી સ્થિતિમાં હોવાથી ભૂગર્ભ જળસ્તર પર પણ તેની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. ખેડૂતોનું માનવું છે કે હાલ પૂરતો પાક બચી ગયો છે પરંતુ જો આગામી દિવસોમાં સારો અને સાર્વત્રિક વરસાદ વરસશે તો જ જળાશયોમાં પાણીનો સંગ્રહ થઈ શકશે અને ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેથી શિયાળુ પાક અને આગામી સમયના પીવાના પાણીના પ્રશ્નમાં પણ કાયમી રાહત મળી શકશે.


