ગરવી તાકાત મહેસાણા : વિધાનસભાની ચૂંટણીના નામો જાહેર કરવાની તૈયારી છે આ સંજાેગોમાં ગુજરાત ભાજપના મોટા ગજાના અગ્રણી નેતાઓ દ્વારા ચૂંટણી નહી લડવાના કરેલા નિર્ણયને પગલે ભારે રાજકિય ગરમાવો જાેવા મળી રહ્યો છે. ગુજરાત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મારી ઉમેદવારી ન કરવા બાબતનો
પત્ર લખી ખુલાસો કર્યો હતો.
આ બાબતે નિતીનભાઇ પટેલને પત્રકારોએ કેમ અચાનક ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી તેવા સવાલના જવાબમાં નિતીનભાઇ પટેલે કહ્યું હતું કે, અચાનક જાહેરાત નથી કરી અને જણાવ્યું હતું કે પાર્લામેન્ટ બોર્ડમાં અમિતભાઇ શાહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સાથે અગાઉ ચર્ચા થઇ હતી પક્ષની ઇચ્છા ન હતી કે હું તેમજ વિજયભાઇ રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણી લડીએ પરંતુ પક્ષને વધુને વધુ સીટો મળે તે માટે સંગઠનને મજબૂત કરવા પ્રજાનું કામ કરી પક્ષને વધુને વધુ શીટો આવે તે માટે અમારો અનુભવ, સંબંધોનો લાભ ભાજપને મળે તે માટે મહેનત કરીએ. તેમજ સી.આર.પાટીલને લખેલા પત્રથી ઝડપથી આ વાત પ્રજા અને કાર્યકરો સુધી પહોંચાડવા તેમજ મિડીયા કોઇ ખોટો વિવાદ ઉભો ન કરે તે માટે લખ્યો છે.
વધુમાં નિતીનભાઇએ જણાવ્યું હતું કે, ૧૯૯૦થી માંડી આજ સુધી છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો છું ચાર વખત કડીમાં બે વખત મહેસાણામાં કાર્યકરો અને મતદારોએ મને ખુબ સહયોગ આપ્યો છે. મને પક્ષે મંત્રી મંડળમાં કામ કરવાની તક આપી છે. બધી સરકારોમાં મંત્રી પણ રહ્યો છું અને નાયબ મુખ્યમંત્રી પદની મહત્વની કામગીરી પક્ષે મને સોંપી હતી માટે અમારી જવાબદારી પક્ષને વધુને વધુ મજબૂત બનાવવાની છે.


