ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસને ચકમો આપી આરોપી નાસતો ફરતો હતો
Sohan Thakor- મહેસાણા તા. 23- પોલીસતંત્રની વિવિધ શાખાઓ દ્વારા નાસતા ફરતાં આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યાં છે ત્યારે એસઓજીની ટીમે ઊંઝા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા છ માસથી પોલીસ પકડથી નાસતા ફરતાં આરોપીને મહેસાણા એસઓજીની ટીમે ઊંઝા બ્રીજ નીચેથી ઝડપી પાડ્યોં હતો.
મહેસાણા જિલ્લામાં પેરોલ પર તેમજ વચગાળાના જામીન પર છૂટેલા નાસતાં ફરતા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડાએ આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ એસઓજી ટીમના હે.કો. હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રભાઇ, દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ આશારામ સહિતનો સ્ટાફ ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન દિગ્વિજયસિંહ તથા વિશ્વનાથસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 379, 411, 114 મુજબના ગુનામાં છેલ્લા છ માસથી પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી મિયાણા તૈયબ નાથુભાઇ રહે. અમરાપુર પાર્ટી તા. સમી, જિલ્લો પાટણાળો હાલમાં ઊંઝા બસ સ્ટેશન પાસે આવેલ બ્રીજ નીચે ઉભેલ છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપી મિયાણા તૈયબને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.