વિસનગર નગરપાલિકાની બુધવારે મળેલી બજેટ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. પાલિકા પ્રમુખ ઉત્તમભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી સભામાં વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું.
બજેટમાં 1 એપ્રિલ 2024ની ઉઘડતી સિલક 47.10 કરોડ દર્શાવવામાં આવી છે. વર્ષ 2024-25માં 43.71 કરોડની આવક સામે 59.14 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આગામી વર્ષે 1 એપ્રિલ 2025ની ઉઘડતી સિલક 31.66 કરોડ રહેશે.
પાલિકાએ 60 કરોડની અંદાજિત આવક સામે 83.97 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. આ સાથે 77.35 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં પાલિકાના વેરા અને સરકારી ગ્રાન્ટનો આવકમાં સમાવેશ થાય છે.
ખર્ચમાં શહેરના રોડ-રસ્તા, પાણી અને ગટરલાઇન સહિતના વિકાસકામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા શામળભાઇ દેસાઇએ બજેટ
ની જોગવાઈઓ સમજાવવાની માંગ કરી હતી. જો કે, સભા માત્ર પાંચ મિનિટમાં પૂરી કરી દેવામાં આવી.
મહત્વપૂર્ણ નિર્ણયમાં વિસનગર નગરપાલિકાને ‘બ’ વર્ગમાંથી ‘અ’ વર્ગમાં બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત પાલિકા સંચાલિત જી.ડી. હાઈસ્કૂલના 18,133 રૂપિયાના પુરાંતલક્ષી બજેટને પણ મંજૂરી આપવામાં આવી છે.