ભરૂચઃ દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલા નદી ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે નર્મદા નદી અને દેશભકિતની થીમ આધારિત સાંસ્કૃતિક નૃત્ય-દેશભકિતના ગીતો-લોકગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નદી ઉત્સવ અંતર્ગત નારાયણ વિદ્યા વિહાર- ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની યોજાયેલી ચાર વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, બે મિનિટનો સંવાદ, ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને દેશભકિતના થીમ પર સ્ટોરી ટ્રેલીંગ યોજાઇ હતી. જેમાં માધ્યમિક/ઉ.મા વિભાગ તથા પ્રાથમિક વિભાગના ૨૪ જેટલા વિજેતા સ્પર્ધકોને જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, નિવાસી અધિક કલેકટર જે. ડી. પટેલ, અંક્લેશ્વરના પ્રાંત અધિકારી રમેશભાઈ ભગોરા, આમોદના પ્રાંત અધિકારી નેહાબેન પંચાલ, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયુટી પ્રિતેશ પટેલ, કાર્યપાલક ઇજનેર ડી. કે. પટેલ, ચીફ ઓફીસર સંજયભાઈ સોની સહિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપી પુરસ્કૃત કરાયા હતાં.
આ પ્રસંગે જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆએ રાજ્ય સરકાર દ્વારા નદી ઉત્સવ ઉજવણીના નવતર અભિગમને બિરદાવતા કહ્યું હતું કે આપણી નૈતિક ફરજ સમજી ર્માં નર્મદા નદીના કિનારા સાફ-સફાઇ થાય, નર્મદા માતાની શ્રદ્ધાને જાગૃત કરવા અને સ્વચ્છતા જાળવવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે સ્વચ્છ ભારતની સાથે સ્વચ્છ નદીઓ કેવી રીતે થાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
આ તબકકે નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સૌએ સંકલ્પ લીધા હતા. ત્યારબાદ જાનકી મીઠાઇવાલા તેમજ ત્રિશા વ્યાસના કલાવૃંદો દ્વારા નર્મદાની મહત્તા દર્શાવતા સાંસ્કૃતિક નૃત્યો રજુ કર્યાં હતાં તથા દેશભકિતના ગીતો-લોકગીતો પણ રજુ થયા હતાં.
આ પ્રસંગે પ્રાંત અધિકારી એન. આર. પ્રજાપતિ, નાયબ કાર્યપાલક ઇજનેર ચોટલીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટૃ, સિંચાઇ વિભાગના અધિકારી- કર્મચારીઓ, રમતગમત, શિક્ષણ સહિત સંકલનના અધિકારીગણ, વિધાર્થીઓ, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(મનિષ કંસારા ભરૂચ દ્વારા)