ગરવી તાકાત પાટણ : પાટણ ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ (દિશા) કમિટીની બેઠક યોજાઈ આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી સાંસદે સમયબદ્ધ અમલ અને RSETI ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ તાલીમ કાર્યક્રમ શરૂ કરવા સૂચન કર્યું જિલ્લા સેવાસદન ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા વિભાગ, આઈ.સી.ડી.એસ., માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, મધ્યાહન ભોજન યોજના, પુરવઠા વિભાગ, વન વિભાગ, નગરપાલિકા વિભાગ તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) સહિતના અનેક વિભાગોની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

વર્ષ 2025-26 દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરી, લાભાર્થીઓને મળેલ લાભ, ભૌતિક તથા નાણાકીય પ્રગતિ તેમજ બાકી રહેલા પ્રશ્નોની સમીક્ષા કરાઈ સાંસદ ડાભીએ અધિકારીઓને વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, લાભાર્થી કેન્દ્રિત કામગીરીને પ્રાથમિકતા આપવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સુચારુ આયોજન સાથે કામગીરી કરવા સૂચના આપી સાંસદે ખાસ તાકીદ કરી કે શૈક્ષણિક હેતુ માટે નાગરિકોને આવક અને જાતિના દાખલા સમયસર મળી રહે અને તેમને કોઈ પરેશાની ન થાય આ ઉપરાંત, તેમણે RSETI પાટણ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ તાલીમ કાર્યક્રમ શરૂ કરવા માટે પણ સૂચન કર્યું જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે.

બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓ, મનરેગા, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય તથા પંચાયત), ઈ-ગ્રામ યોજના, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, નગરપાલિકાઓની કામગીરી, પાણી પુરવઠા યોજના, રાષ્ટ્રીય ગ્રામિણ પેયજળ યોજના તેમજ નેશનલ લેન્ડ રેકોર્ડ સંબંધિત મુદ્દાઓની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડૉ.મેહુલ બરાસરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ.ડી વણઝારા સહિત તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.


