હિંમતનગર : હિંમતનગર માર્કેટયાર્ડથી શુક્રવારે સાંજે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહી ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે આ યાત્રા યોજાઈ. યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો વાગતા યાત્રા છાપરિયા ચાર રસ્તા, દુર્ગા બજાર અને પાંચ બત્તી થઈને ટાવર ચોક સુધી પહોંચી હતી. ટાવર ચોક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા.

આ તિરંગાયાત્રામાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા જોડાયા હતા. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી ઝાલા, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, કૌશલ્યાકુવારબા અને શાંતિગીરી મહારાજે પણ યાત્રામાં ભાગ લીધો હતો. ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત વિવિધ સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.


