બેન્કો અને તેની શાખામાં નોટ ન સ્વીકારનાર સામે કયાં ફરિયાદ થઈ શકે તેવા બોર્ડ મુકાયા છે.
બજારોમાં વેપારીઓ તથા અન્ય સ્થળો પર 2000ની નોટો ન સ્વીકારવાના અહેવાલો આવ્યાં છે
નવી દિલ્હી તા. 22 : રૂા.2000ની ચલણી નોટો તા.30 સપ્ટેમ્બર બાદ ચલણમાં માન્ય ગણાશે નહી અને આ ચલણ પરત ખેચવાની જાહેરાત બાદ ગુલાબી નોટો વટાવવા કે એકસચેંજ કરાવવા માટે લોકોનો શનિવાર તથા રવિવારે ધસારો થયો છે અને તે આજે પણ ચાલું જ રહે તેવા સંકેત છે.

પરંતુ બજારમાં વેપારીઓએ અને અન્ય સ્થળો પર રૂા.2000ની નોટો સ્વીકારવા ઈન્કાર કરવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. નાના વ્યાપારી કે શોપીંગ મોલમાં આ નોટો ‘ઘરજમાઈ’ પડી રહે કે પછી તે બેન્કોમાં ભરવા માટે લાંબી લાઈનો અને પ્રક્રિયામાં જવું પડે તથા બાદમાં આવકવેરા તથા અન્ય વિભાગોનું પુછાણ પણ આવે તેવા ભયથી પણ વેપારી વર્ગ આ નોટો સ્વીકારવાનો ઈન્કાર કરે છે પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ સ્પષ્ટ કર્યુ છે કે રૂા.2000ની ચલણી નોટો લીગલ ટેન્ડર- માન્ય ચલણ તરીકે તા.30 સપ્ટે. સુધી ચાલું જ છે
અને તે સમયગાળા દરમ્યાન આ નોટોની લેવડ-દેવડના વ્યવહારો થઈ શકે છે. જો કોઈ રૂા.2000ની ચલણી નોટો સ્વીકારવા ઈન્કાર કરે તો તેની ફરિયાદ રિઝર્વ બેન્કને કે બેન્ક લોકપાલને કરી શકાશે. આ માટે દરેક બેન્ક અને તેની શાખામાં કયાં ફરિયાદ થઈ શકે તેવા બોર્ડ મુકાયા છે. રીઝર્વ બેન્કની વેબસાઈટ પર પણ અથવા બેન્ક લોકપાલ સમક્ષ ઓનલાઈન ફરિયાદ થઈ શકે છે. વરિષ્ઠ એડવોકેટ શિવાકાંત દિક્ષિતના જણાવ્યા મુજબ કોઈ નોટ (ચલણ) જે માન્ય ચલણ તરીકે હોય તેનો સ્વીકાર ન કરવો તે રાજદ્રોહ શ્રેણીનો અપરાધ છે.
આ માટે ધારા 188 અને 124 (એ) રાજદ્રોહની કલમો હેઠળ કેસ કરી શકાય છે અને તેમાં જે સજાની જોગવાઈ છે તે હેઠળ જેલ સજા થઈ શકે છે. આમ તા.30 સપ્ટે. 2023 હતી. આ નોટો યોગ્ય ચલણ છે અને રીઝર્વ બેન્કની ગાઈડલાઈન મુજબ તે બદલી શકાય છે. બેન્કમાં ભરી શકાય છે. બજારમાં લેવડ દેવડ કરી શકાય છે.


