— મંદિરમાં સ્પીકર વગાડવાના મામલે :
— ઉશ્કેરાઈ ગયેલા ગામના જ 6 શખસોએ ધોકા અને લાકડીઓ ફટકારતાં બે ભાઈઓને ગંભીર ઈજાઃ હત્યાનો ગુનો દાખલ:
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના મુદરડા ગામમાં મંદિરમાં સ્પીકર વગાડવાના મામલે ઉશ્કેરાઈ ગયેલા કેટલાક શખસોએ ઘરમાં ઘુસી જઈને પરિવાર ઉપર હુમલો કર્યો હતો. લાકડી અને ધોકા વડે આડેધડ ફટકારતાં બે ભાઈઓને ગંભીર ઈજા થઈ હતી.ઈજાગ્રસ્તનોને સારવાર માટે અમદાવાદ સિવીલમાં ખસેડાયા હતા. જયાં તબીબે ૪૨ વર્ષિય યુવાનને મૃત જાહેર કર્યો હતો.આ અંગે લાંઘણજ પોલીસે ૬ શખસો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી હતી.
મુદરડામાં આવેલા ટેબાવાળા ઠાકોરવાસમાં રહેતા એક નિવૃત શિક્ષકના પરિવારના મકાનના કંપાઉન્ડમાં મેલડી માતાના નાના મંદિરે સાંજના સુમારે દિવો કરીને સ્પીકર વાગતું હતું.
તે વખતે મહોલ્લામાં રહેતા સદાજી રવાજી ઠાકોરે આવીને સ્પીકર વગાડવાના મુદ્દે તકરાર કરી હતી.જોતજોતામાં મામલો બીચકતાં ૬ જેટલા શખસો એકસંપ થઈને ગેરકાયદેસર મંડળી રચીને આવ્યા હતા અને ઉશ્કેરાટમાં ઘરના વરંડા પાસે ઉભેલા જસવંત વિરસંગજી ઠાકોર (૪૨ વર્ષ)ને ધોકા અને લાકડીઓથી આડેધડ ફટકારવા લાગ્યા હતા.
જેથી તેમના ભાઈ અજીતજી ઠાકોર દોડીને બચાવવા વરંડામાં આવતા તેમને પણ લાકડી અને ધોકા માર્યા હતા.ત્યારબાદ,જીવ બચાવવા જસવંત ઘરમાં દોડી જતાં આરોપીઓએ ઘરમાં ઘુસી જઈને તેને વધુ માર મારતાં ગંભીર ઈજા થઈ હતી.આ ઘટના અંગે મહેસાણા પોલીસ કંટ્રોલરૃમને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવતા મામલો થાળે પડયો હતો.હુમલામાં જસવંત અને અજીતને ગંભીર ઈજાઓ થઈ હોવાથી એમ્બ્યુલન્સમાં મહેસાણા લઈ જવાયા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ સિવીલમાં ખસેડાયા હતા. જયાં તબીબે તપાસ કરતાં જસવંતજી ઠાકોરને મૃત જાહર કર્યા હતા.આ ઘટના અંગે નોંધાવવામાં આવેલી ફરીયાદના આધારે લાંઘણજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પીએસઆઈ એસ.ડી.ચાવડાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.